જામનગર : કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના વકીલની ભૂમિકા ભજવનાર શહેરના નામાંકિત વકીલ વસંત માનસાતાની બીમારી સબબની વચગાળાની જામીન અરજી આજે રદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણમાં છેલ્લા એક વર્ષથી વકીલ માનસતા સહિતના ૧૪ આરોપીઓ જેલમાં છે. જામનગર જેલમાં રહેલ વકીલ માનસતાની પાંચ દિવસ પૂર્વે તબિયત લથડતા જેલમાંથી જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જામનગરના જમીન માફિયા જયેશ પટેલ અને તેના વાઈટ કોલર સાગરીતો એવા ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નીલેશ ટોલિયા, મુકેશ અભંગી, પ્રફુલ પોપટ, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર સહીતના આરોપીઓ સામે ગત વર્ષે જામનગર પોલીસે ગુજસીટોક સબંધે ફરિયાદ નોંધી જયેશ પટેલ સિવાયના ઉપરોકત આરોપીઓ ઉપરાંત વકીલ વસંત માનસતાની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં આરોપીઓને રાજયની જુદી જુદી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જે પૈકીના પાંચ આરોપીઓએ જામીન મેળવવા વર્ષ દરમિયાન જુદી જુદી કોર્ટમાં અરજીઓ કરી હતી. પરંતુ એક પણ આરોપીની જામીન અરજી હજુ સુધી મંજુર થઇ નથી. દરમિયાન જામનગર જીલ્લા જેલમાં રહેલ આરોપી વકીલ વીએલ માનસતાની તબિયત લથડતા તેઓને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલટીઓ સહિતની જુદી જુદી બીમારી સબબ વકીલ માનસતાને એક માસના જામીન આપવામાં આવે એવી અરજી જામનગર સેસન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે અરજી ગઈ કાલે ચાલી જતા બીજા એડીશનલ સેસન્સ જજ તેજસ દેસાઈએ બંને તરફે દલીલો સાંભળી વકીલ માનસતાની જામીન અરજી ફગાવી દીધી છે.