જામનગરના કોન્ટ્રાક્ટર સાથે ૪૭.૫૦ લાખની છેતરપીંડી

0
1068

જામનગરના કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા ૪૭.૫૦ લાખની છેતરપીંડી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બેંગ્લોર સ્થિત એક પેઢીના કર્મચારીએ ચાઈનાથી કન્ટ્રકશન મશીન ઈમ્પોર્ટ કરી આપવા માટે સમયાંતરે રૂપિયા પડાવી, અંતે મશીન કે રૂપિયા પરત નહી કરી જામનગરના આસામી સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં સુમેર કલબ રોડ પર જય કેબલની સામેં રહેતા અને બાંધકામના ધંધામાં સક્રિય એવા વિનોદભાઈ વાડોદરિયાએ પોતાના ધંધાર્થે ઓટોમેટીક મસીનની જરૂર હોવાથી બેંગ્લોર સ્થિત મેસર્સ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લીમીટેડ નામની કંપનીનો સંપર્ક કર્યો હતો અને કવોટેશન મંગાવ્યું હતું. દરમિયાન આ કંપનીના ડાયરેક્ટર સીબુ પોલે બાંધકામના વ્યવસાય માટે ઓમોટીક HDD 2L 200A મશીન માટે એક પત્ર પાઠવી ચાઈનાથી આ મશીન ઈમ્પોર્ટ કરવા અંગે મૂળ કીમત, ઇમ્પોર્ટ ડ્યુટી તથા કસ્ટમ ડ્યુટી સહીત રૂપીયા ૪૭,૫૦,૦૦૦નું એસ્ટીમેટ આપ્યું હતું. પ્રત્યુતર રૂપે જામનગરનાં આસામીએ મશીન ખરીદ કરવાનો ઓર્ડર આપી,અલગ અલગ ચેકથી, અલગ-અલગ સમયે રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ મેળવી લીધી હતી. ત્યાર બાદ મશીન સપ્લાય ન કરી અને રૂપિયા પણ પરત ન કરી આરોપી સીબુએ લાખો રૂપીયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાનું  સામે આવ્યું હતું.

કોન્ટ્રાક્ટરને કેમ જરૂર પડી મશીનની ?

શહેરના સુમેર કલબ રોડ પર એસટી ડેપો સામે, જય કેબલ પાસે આવેલ શ્રી નિવાસ કોલોનીમાં રહેતા અને મકાનમાં જ નીચે નવતન કન્ટ્રકશન અને અર્થ મુવર્સના નામે ઓફીસ ધરાવતા વિનોદભાઈ વાડોદરિયાને વર્ષ ૨૦૧૯માં બાંધકામના વ્યવસાય માટે ઓટોમેટીક મશીનની જરૂર પડી હતી. જેને લઈને તેઓએ બેંગ્લોર સ્થિત ઈમ્પોર્ટ એજન્ટ તરીકે કામ કરતી પ્રાઈવેટ લીમીટેડ કંપનીનો સંપર્ક કર્યો હતો.

ક્યારે અને કેટલા રૂપિયા આપ્યા કોન્ટ્રાક્ટરે ?

મોટા કન્ટ્રકશન કામમાં ઉપયોગમાં લેવાતું એચડીડી-૨એલ ૨૦૦એ ખરીદ કરવાની પ્રાથમિક ઓપચારિકતા પૂર્ણ કરી કોન્ટ્રાકટર વિનોદભાઈએ બેંગ્લોરની કંપનીના ડાયરેક્ટર સીબુને તા. ૨/૩/૨૦૧૯ના રોજ ચાર લાખ રૂપિયા અને ૧૩/૩/૨૦૧૯ના રોજ આઠ લાખ રૂપિયા મળી કુલ ૧૪ લાખ રૂપિયા એડવાન્સ પેટે ચૂકવી દીધા હતા. ૧૪ લાખ ચૂકતે થઇ ગયા પછી કંપની તરફ એમ કહેવામાં આવ્યું હતું કે મશીનનો ઓર્ડર આપી દેવાયો છે.

‘મશીન તૈયાર થઇ ગયું છે રૂપિયા ૧૫ લાખ ચૂકવી આપો’

બેંગ્લોરની કંપનીએ ચાઈના સ્થિત કંપનીને મશીન પરચેજનો ઓર્ડર આપ્યા બાદ તેઓના તરફથી ગત તા. ૨૨/૧/૨૦૨૦ના રોજ કહેવામાં આવ્યું હતું કે મશીન તૈયાર થઇ ગયું છે. જેથી આજે તમે રૂપિયા ૧૫ લાખ ચૂકવી આપો, જેને લઈને જામનગરના બિલ્ડરે રૂપિયા ૧૫ લાખ પણ ચૂકવી દીધા હતા. આમ મશીન તૈયાર થવા સુધીમાં ૨૯ લાખની રકમ ચૂકવી દેવામાં હતી.

બે મહિના પછી લેખિતમાં જાણ કરી બાકી રૂપિયા માંગ્યા

મશીન ખરીદ પ્રક્રિયાને દસ માસના સમય ગાળામાં બેંગ્લોરની પેઢીએ રૂપિયા ૨૯ લાખ લઇ લીધા બાદ તા. ૫/૩/૨૦૨૦ના રોજ બાકી રહેતા રૂપિયા ૨૦.૫૦ લાખ મોકલી આપવા કહ્યું હતું. જેને લઈને વિનોદભાઈએ રૂપિયા આ રૂપિયા પણ ચૂકતે કરી એસ્ટીમેટ મુજબની રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ મશીન આવે તે પૂર્વે જ ચુકતે કરી દીધી હતી.

‘મશીન ચેન્નઈ આવી ગયું છે કોરોનામાં ફસાયું છે’

ઓટોમેટીક મશીનના ઓર્ડર બાદ બેંગ્લોરની કંપનીએ મશીનની તમામ લાગત કોસ્ટ વશુલ કરી લીધી હતી. ત્યારબાદ કંપની  તરફથી જણાવવામાં આવ્યું હતું કે મશીન ચેન્નઈ પોર્ટ આવી ગયું છે. પણ કોરોનાકાળના કારણે અને વાહનવ્યવહાર બંધ  હોવાથી ડીલેવરીને થોડો સમય લાગશે. ત્યારબાદ લોકડાઉન પૂર્ણ થતા કોન્ટ્રાક્ટર દ્વારા પરત કોલ કરી મશીન રવાના કરવા જણાવતા તેઓએ ૧૫ દિવસમાં મશીન જામનગર પહોચી જશે એમ કહ્યુ હતું.  

૧૫ દિવસ બાદ સીબુએ ફોન ઉપાડવા બંધ કર્યા

બેંગ્લોરની સીકોન ઈન્ફ્રાટેક કંપનીના ડાયરેક્ટરે આપેલ ૧૫ દિવસનો વાયદો પૂર્ણ થઇ જતા બાંધકામ વ્યવસાઈએ ફરી ડાયરેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આ આરોપીએ ફોન પર વાત કરવાનું ટાળી, ફોન રીસીવ કરવાના પણ બંધ કરી દીધા હતા. જેને લઈને ધંધાર્થીને છેતરપીંડી થઇ હોવાનો અણસાર આવ્યો હતો. ત્યારબાદ જામનગરના ધંધાર્થીએ પોલીસમાં અરજી આપી કંપનીનું બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવાયું હતું. જેને લઈને ઉશ્કેરાયેલ આરોપી સીબુએ કોન્ટ્રાક્ટરને ધમકી  આપી પૈસા કે મશીન નહી આપવાની સ્પષ્ટ શબ્દોમાં વાત નફ્ફટાઈ વાપરી હતી.

આરોપીએ લાખો રૂપિયા  અહી ઉડાવી દીધા…

આરોપી સીબુ પોલે રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ પોતાના ખાતામાં આઈએસપી મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી, મકાન ભાડામાં, ઓફીસ ખર્ચમાં, ટ્રાવેલ ખર્ચ, લોન રીફંડ અને અંગત ખર્ચ પેટે વાપરી નાખી હોવાની વિગતો સામે આવી છે. લાખો રૂપિયાની છેતરપીંડી આચરનાર સખ્સ સુધી પહોચવા પોલીસે બેંગ્લોર સુધી તપાસ લંબાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here