જામનગર: બંધ થઇ ગયેલ યમુના ઓટો મોબાઈલ પેઢીનો એક કરોડનો વેટ બાકી, પેઢી ધારકો સામે ફરિયાદ

0
402

જામનગરમાં ગુલાબનગર ઓવર બ્રીજ સામે આવેલ યમુના ઓટો મોબાઈલ નામની મોટરસાયકલ ડીલર પેઢી બંધ કરી દેવાયા બાદ સંચાલકોએ રૂપિયા એક કરોડનો વેટ સરકારને નહિ ચૂકવી છેતરપીંડી આચરી હોવાની પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. પેઢીના સંચાલકો વચ્ચે થયેલ ગજગ્રાહને લઈને પેઢી બંધ કરી દેવાયા બાદ કોઈ ભાગીદારે વેટની બાકી રકમ નહિ ભરતા આખરે સરકાર તરફથી પંચકોશી બી ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં જામનગર-રાજકોટ હાઇવે, પર ગુલાબનગર ઓવરબ્રીજ હાપા વિસ્તારમાં આવેલ શ્રી યમુના મોટર્સ પ્રા.લી. નામની પેઢીના પેઢીધારકોએ વર્ષ ૨૦૦૭-૦૮ના વર્ષમાં સરકારને ભરવાનો થતો વેટ વેરો ભર્યો નથી. વર્ષ ૨૦૦૮-૨૦૦૯નો કુલ કિ.રૂ.૧,૦૬,૪૦,૭૫૧ + (આજ દીન સુધીનુ ચડત વ્યાજ) વેટ એક્ટ ૨૦૦૫ અંતર્ગતનો વેરો નહી ભરી અને વેરો નહી ભરવા ટાળવા માટેના પ્રયત્નો કરી વેરો ભરવામાં કસુર કરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ વેટ અધિકારી દિવ્યેશભાઇ પરેશભાઇ રાણીપાએ પંચકોશી બી ડીવીજન પોલીસમાં નોંધાવી છે. જેમાં પેઢી ધારકો પ્રાણજીવન પરમાણંદ ગોકાણી (૨) સવીતાબેન પ્રાણજીવન ગોકાણી (૩) રાહુલ પ્રાણજીવન ગોકાણી (૪) તેજલ પ્રાણજીવન ગોકાણી (૫) પ્રીયાંશુ સંજય ગોકાણી (૬) સંજય પ્રાણજીવન ગોકાણી રે.બધા.”યમુના” બાલવાટીકા સામે હોસ્પીટલ રોડ દ્વારક તથા (૭) યોગેશકુમાર ભગવાનજીભાઇ વીઠ્ઠલાણી (૮) પુષ્પાબેન યોગેશકુમાર વીઠ્ઠલાણી રહે.”ગાયત્રીકૃપા” હનુમાન મંદીર રોડ સુરજકરાડી ઓખામંડળ જી.દ્વારકા વાળાઓની પેઢી વેટ કાયદા હેઠળના નોંધણી નંબર.૨૪૧૦૦૪૦૧૦૧૭થી નોંધણી થયેલ છે.

જે પેઢી બંધ કરી દઈ આરોપીએ વર્ષ વર્ષ ૨૦૦૮-૨૦૦૯ થી આજદીન સુધી વેટની બાકી રહેતી એક કરોડ ઉપરાંત રૂપિયાનો વેટ વેરો આજ દિવસ સુધી ભર્યો ન હતો. સરકારી કચેરી તરફથી આજ દિવસ સુધી આરોપીઓએ વેટ ભરી જવા વખતો વખત લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી. પરંતુ આરોપીઓ દ્વારા આજ દિવસ સુધી કોઈ સકારાત્મ પ્રત્યુતર આપવામાં આવ્યો ન હતો. જેને લઈને તમામ ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેઢી બંધ થઇ તે પૂર્વે ભાગીદારો વચ્ચે વ્યવસાયને લઈને મનદુઃખ થયું હતું જેને લઇ પેઢી બંધ કરી દેવામાં આવી હતી. જો કે પેઢી બંધ કરી દીધા પછી વેટ વેરો ભરવામાં આવ્યો ન હતો. પોલીસે તમામ આરોપીઓ સામે બી.એન.એસ. કલમ.૩૧૬(૨) તથા ગુજરાત મુલ્ય વર્ધી વેરા અધિનયમ-૨૦૦૩ ની કલમ.૮૫(૧)(ઘ),(જ), ૮૫(૨)(ખ),(ઘ),(ચ),(છ),(ડ) મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here