જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિ પર ગઈ કાલે એક ઘટના ઘટી, જેમાં દેવભૂમિમાં રહેતા એક નિવૃત વૃદ્ધ ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાની મોટરસાયકલ લઇ નીકળ્યા ત્યાં બે અજાણી યુવતીઓ મળી, બંને દ્વારકાની ભૂગોળથી અજાણ હોવાની વાત કરી પટેલ સમાજ મૂકી જવાનું કહી વૃદ્ધને માયાજાળમાં ફસાવ્યા, પછી બગીચામાં લઇ જઈ વાતચીતમાં ઉલજાવી ટ્રેપનો ભોગ બનાવી રૂપિયા ૩૯ હજાર પડાવી લીધા, વૃદ્ધ ઉપરાંત અન્ય એક આસામીને પણ આ ટોળકીએ જાળમાં ફસાવ્યા છે. કેવી રીતે પરિચય કેળવ્યો? કેવી રીતે ટ્રેપ રચી અને કેવી રીતે રૂપિયા પડાવ્યા? તમામ વિગતો આ અહેવાલમાંથી જાણવા મળશે.
દેવભૂમિ દ્વારકા એક આસ્થાનું પવિત્ર સ્થળ, જે ભૂમિને ભગવાન દ્વારકાધીશએ પોતાની કર્મ ભૂમિ બનાવી, આ ભૂમિ પર આજકાલ ચોરીચકારી અને ધુતારાઓએ ઘેરી લીધી હોય એવી ઘટનાઓ ઘટવા પામી છે, ગઈ કાલે વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નાગેશ્વર રોડ પર આવેલ અંબુજા નગર, વ્રજ લગજરીયા એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. ૧૦૧ માં રહેતા ૬૧ વર્ષીય જગદીશભાઇ મનસુખભાઇ દવે ગઈ કાલે પોતાના ઘરેથી નીકળી દરિયા કિનારે આવેલ ભડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. ભગવાનના દર્શન કરી પોણા બારેક વાગ્યે પોતાની મોટર સાયકલ લઇ પરત ઘરે જવા નીકળ્યા ત્યાં બે અજાણી સ્ત્રીઓએ વૃદ્ધ પાસે આવી કહ્યું કે, પોતે દ્વારકામા કાંઇ જોયું નથી અને પટેલ સમાજ પાસે મુકી જશો ? દ્વારકામાં અજાણી યુવતીઓ હેરાન ન થાય એ હેતુથી મદદ કરવા માટે વૃદ્ધે પોતાના મોટર સાયકલ પર બેસાડી બંને યુવતીઓને પટેલ સમાજ મુકવા નીકળ્યા હતા.
પટેલ સમાજે પહોચ્યા બાદ બંને યુવતીઓએ વૃદ્ધને પટેલ સમાજ સામેના ગાર્ડનમા સાથે બેસી વૃદ્ધને વાતચીતમાં ઉલજાવ્યા હતા. દરમિયાન ત્રણેય વાતો કરતા હતા ત્યારે એકાએક અન્ય ત્રણ અજાણ્યા પુરૂષો અહી આવી પહચ્યા હતા. જ્યાં પાંચેય જણાએ ભેગા થઇ વૃદ્ધને મન ફાવે તેમ ઢીકા પટુનો માર મારી, મોબાઇલ ઝુંટવી લીધો હતો. અને ફોન નો પાસવર્ડ જાણી આરોપીઓએ વૃદ્ધના મોબાઇલ ફોનમાંથી દ્વારકામા આવેલ બારાઇ પેટ્રોલપંપના ક્યુ.આર.કોડ સ્કેન કરી તેમા રૂ. ૩૯૦૦૦ ટ્રાન્સફર કરી ત્યાંથી રોકડા રૂ. ૩૯૦૦૦ ઉપાડી લઇ લુંટ ચલાવી હતી. આ પાંચેય સખ્સોએ અનીલકુમાર મગનલાલ નામના આસામીને પણ જાળમાં ફસાવી રૂપિયા ૪૦૦૦ની રોકડ રકમની લુંટ ચલાવી હોવાની ઘટના પણ સામે આવી છે.
આ બનાવ અંગે જગદીશભાઈએ પાંચેય લુટારુ ટોળકી સામે દ્વારકા પોલીસ દફતરમાં બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૧૦(૨), ૩૫૨, ૬૧(૨) મુજબ પાંચેય અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તમામે પુર્વ આયોજીત કાવતરૂં રચી, જાળમાં ફસાવી લુંટ ચલાવી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે લુટારુ ટોળકીને પકડી પાડવા તાત્કાલિક તપાસ શરુ કરી છે, પોલીસ પાંચેય આરોપીઓ સુધી પહોચી ગઈ હોવાની વિગતો જાણવા મળી છે.