જામનગર: સાયકલના વાલ્વ બનાવતા કારખાનેદારને યુપીના બે સખ્સોએ લાખોનું બુચ મારી દીધું

0
2422

જામનગરમાં શંકર ટેકરી વિસ્તાર ઔદ્યોગિક વિસ્તારમાં સાયકલના વાલ્વ બનાવવાની ફેક્ટરી ધરાવતા એક ફેક્ટરીધારક સાથે લાખો રૂપિયાની છેતરપીંડી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. ચાર વર્ષ પૂર્વે કારખાનેદારના પિતાએ ઉતરપ્રદેશના મેરઠના બે વેપારીઓ બંધુઓને ૩૮ લાખનો માલ સપ્લાય કર્યા બાદ કારખાનેદારનું અવસાન થયું હતું. ત્યારથી માંડી અત્યાર સુધી બંને સખ્સોએ પોણા ચોવીસ લાખની બાકી રહેતી રકમ આપી દેવાના વાયદા કરી અંતે ધાક ધમકી આપી રૂપિયા ન આપવાનું કહી છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ઓસવાળ કોલોની શેરી નંબર બેમાં રહેતા જ્યોતભાઇ ધીરજલાલ ખીમસીયા સંકર ટેકરી વિસ્તારમાં સાયકલના વાલ્વ બનાવવાની ગો-મેક્સ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી-ફેક્ટરી ધરાવે છે. ચાર વર્ષ પૂર્વે તેમના પિતા ધીરજલાલે ઉતર પ્રદેશના મેરઠમાં રીકો બેન્ઝર નામની ભાગીદારી પેઢીના માલીક પ્રમોદ અગ્રવાલ તથા અનીલ અગ્રવાલ  રહે. એસ-૪, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પ્રતાપપુર, મેરઠ વાળાઓની રીકો બેન્ઝર નામની પેઢીને કુલ રૂપીયા ૩૮,૩૧,૦૧૮ની કીમતનો વાલ્વનો માલ સપ્લાય કર્યો હતો. આ વેપાર પેટે રૂપીયા ૨૩,૭૨,૬૧૫ની રકમ બાકી રાખી હતી. સમયાંતરે આ રકમ આપવાનુ કહી મેરઠના બંને સખ્સોએ આજદીન સુધી બાકી રહેતી બીલની રકમ પરત કરી ન હતી. દરમિયાન જયોતભાઈના પિતા ધીરજભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદ ધીરજભાઈએ બાકી રહેતી રકમની ઉધરાણી કરી હતી. જેને લઈને બંને આરોપીઓએ જ્યોતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે જ્યોતભાઈએ પોતાની પેઢી સાથે વિશ્વાસધાત તેમજ છેતરપીંડી કરી હોવાની સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને સખ્સોએ વર્ષ ૨૦૧૯માં તા.૦૪/૦૪/૨૦૧૯ થી તા.૧૮/૧૦/૨૦૨૦ સુધીમાં જામનગરની ફેક્ટરીમાંથી ૩૮ લાખ ઉપરાંતનો સાયકલના વાલ્વ ખરીદ કર્યા હતી. બંને સખ્સોએ દોઢ વર્ષના ગાળામાં માલ ખરીદી અમુક રકમ આપી અમુક રકમ બાકી રાખી હતી. જે રકમ આપવાની બંને સખ્સોએ ના પાડી કારખાનેદારને ધાક ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. જ્યોતભાઈએ પ્રથમ સીટી સી ડીવીજન પોલીસમાં અરજી કરી હતી. જે પોલીસ તપાસમાં બંને સખ્સોએ છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસે બંને સખ્સો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધી છે અને પીએસઆઈ વી એ પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here