જામનગર : જામજોધપુર નગરપાલિકાના સદસ્યનું કોરોના વોર્ડમાં મોત,પરિવારજનો રોષે ભરાયા, કેમ જાણો ?

0
941

જામનગર : જામજોધપુર નગરપાલિકાના ભાજપના સદસ્યને સપ્તાહ પૂર્વે નડેલા અકસ્માત બાદ સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ જાહેર થતાં કોવિડ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન સામે રોષ જતાવી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં દોડધામ મચી જવા પામી છે.


જામનગર જિલ્લાની જામજોધપુર નગરપાલિકાના વોર્ડ- નં૭ ના સદસ્ય ગોવિંદભાઈ કરશનભાઈ પરમાર એક સપ્તાહ પૂર્વે તાલુકા મથક નજીક ધ્રાફારોડ પર બાઇક લઇ પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતાં તેઓને ઈજા પહોચી હતી. જેને લઈને ઇજાગ્રસ્ત નગરસેવકને તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બે દિવસ પૂર્વે કરવામાં આવેલ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા તેઓને કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાજપના સદસ્યનું સારવાર હેઠળ જ અવસાન થયુ હતું. જેને લઈને પરિવારજનો સહિત રાજકીયઆલમનો શોક છવાઈ ગયો હતો.

આ બનાવમાં તબીબોની બેદરકારી હોવાના રોષ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં ઉગ્રતા દેખાડતા તંગદિલી પ્રસરી ગઈ હતી. જીજી હોસ્પિટલની બેદરકારીને કારણે જ તેનું મૃત્યુ નીપજયું છે તેવો આક્ષેપ લગાવી પરિવારજનોએ ફરી રીપોર્ટની માંગણી કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

બપોર સુધી આ બાબતે કોઈ નિરાકરણ આવ્યું ન હતું. બીજી તરફ મૃતકના પરિવારજનોએ પણ એવો આક્ષેપ લાગાવ્યો છે કે સતત પાંચ દિવસ સુધી મૃતકની સાથે જ છીએ એની તમામ દૈનિક ક્રિયાઓ કરાવીએ છીએ છતાં તેઓને કોરોના લાગુ પડ્યો નથી. જેને લઈને તેઓએ રીપોર્ટ પર શંકા જતાવી ફરીથી રીપોર્ટની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here