જામનગર : જામનગર નજીકના લાલપુર તાલુકાના નવાગામમાંથી પોલીસે વધુ એક પિસ્તોલ મળી આવી છે. ત્રણ હથીયારો પકડાયા બાદ ગઈ કાલે વધુ ત્રણ હથિયારો સાથે પોલીસે એક સખ્સને આંતરી લીધો હતો. જયારે આજે સવારે હથિયાર સાથે અગાઉ પકડાયેલ રાજુના ઘરમાંથી વધુ એક હથિયાર પોલીસે કબજે કર્યું છે.
લાલપુરના નવાગામમાં દરોડો પાડી એલસીબીએ પાંચ દિવસ પૂર્વે વિરમ મેરામણ ઓડેદરા નામના સખ્સને એક દેશી રિવોલ્વર અને બે જીવંત કાર્તુશ સાથે પકડી પાડયો હતો. દરમિયાન મેઘપર પોલીસની તપાસમાં આ ગામમાં હથીયારોનો ઝખીરો મળી આવ્યો હતો. ગઈ કાલે મેઘપર પોલીસે નવાગામ ની ઉગમણી સીમમાં ડેરાછીકારી તરફ જતા કાચા રસ્તે બેઠા પુલ પાસેથી સુરેશ સુઘાભાઇ ગોરાણીયા નામના સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સના કબ્જામાંથી પોલીસે રૂપિયા ૬૦ હજારની કિંમતની ત્રણ પિસ્તોલ અને બે જીવંત કાર્તુશ કબજે કર્યા હતા. આ હથિયાર ચાર દિવસ પૂર્વે એલસીબીએ હથિયાર સાથે પકડી પાડેલ વિરમભાઇ મેરામણભાઇ મોઢવાડીયા પાસેથી ખરીદ્યા હોવાની આરોપીએ કબુલાત કરી છે.
પાંચ દીવસ પૂર્વે એલસીબીએ વિરમને રૂપિયા દશ હજારના એક દેશી રિવોલ્વર અને બે જીવંત કાર્તીશ સાથે પકડી પાડયા બાદ મેઘપર પોલીસે રાજેશ ઉર્ફે રાજુ ગીગા મોઢવાડિયા, નીલેશ ઉર્ફે પોપટ લખમણ મોધાવાડીયા, સુરેશ ગોરાણીયાને પકડી પાડ્યો હતો. આજે રાજુની પૂછપરછ દરમિયાન વધુ તેના ઘરમાંથી વધુ એક પિસ્તોલ મળી આવી છે. જેને લઈને પાંચ દિવસમાં સાતમું હથિયાર પકડાયું હતું. પોલીસે તમામની પાસેથી હથિયાર કબજે કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ તમામ હથિયારો ઉતર પ્રદેશથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને હજુ પણ વધારે હથિયારો મળી આવવાની આશા છે જેને લઈને તમામ સખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.