જામજોધપુર : કોઝ વે પર આવ્યું ઘસમસતું પુર અને બાઈક સાથે વૃદ્ધને તાણી ગયુ

0
641

જામનગર અપડેટ્સ : જામજોધપુર તાલુકાના સીદસર ગામે ઉમિયા માતાના મંદિર નજીક કોઝ વેના ઘસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલ એક વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. વૃદ્ધનો મૃતદેહ કોઝવેના વહેણમાંથી  મળી આવ્યો છે. વૃદ્ધ ઉપલેટા તાલુકાના સુપેડી ગામેથી જામજોધપુરના ગીંગણી ગામે પોતાની સાસરે રહેતી પુત્રીના ઘર સુધી આવતા હતા ત્યારે પુરનો ભોગ બની ગયા હોવાની વિગતો સામે આવી છે.

પુરની પ્રતીકાત્મક તસ્વીર

જામનગર જીલ્લામાં પુર પ્રકોપમાં વધુ એક માનવ જીંદગી તણાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જામજોધપુર તાલુકા મથકથી ૧૨ કિમી દુર આવેલ સિદસર ગામે ઉમીયા માતાજીના મંદિર પાસે આવેલ કોઝ્વે પરથી પસાર થતું એક મોટરસાયકલ તણાઈ ગયું હતું. મોટરસાયકલ સાથે ચાલક દેવશીભાઇ  મોહનભાઇ ચોહાણ (ઉ.વ.૬૨, રહે સુપેડી ગામ. તા.ધોરાજી જી. રાજકોટ) નામના વૃદ્ધ પણ તણાઈ ગયા હતા અને પાણીના પ્રવાહમાં સમાઈ ગયા હતા. દરમિયાન આ વૃદ્ધનો મૃતદેહ કોઝવેના વહેણમાંથી મળી આવ્યો હતો. સુપેડી ગામના વૃદ્ધ પોતાના પુત્રનું મોટરસાયકલ લઇ ગીંગણી ગામે રહેતી પુત્રીને ત્યાં કામ સબબ આવતા હતા ત્યારે પુર હોનારતનો ભોગ બની ગયા હોવાનું જામજોધપુર પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here