સાંસદ ગ્રાઉન્ડ ઝીરો પર : સર્વે પૂર્ણ કરી તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ – પૂનમબેન માડમ

0
551

જામનગર અપડેટ્સ :  જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે ત્યારે  જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગામોમાં વરસાદે તારાજી સર્જી છે તે ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોક સંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો તેમજ થયેલ નુકસાની તથા વળતર સહિતના પ્રશ્ને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

સાંસદએ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી, બાંગા, કૃષ્ણપુર અને ખાનકોટડા ગામોની  મુલાકાત લઇ અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી તાકીદે ઉપરોક્ત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું. સાંસદએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ધ છે. આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે તેમ જણાવી તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી. આ મુલાકાતમાં સાંસદ માડમની સાથે સંગઠનના પ્રતિનિધિઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here