ઇન્ટરનેશનલ બાઈસીકલ ડે : એક જમાનો હતો જયારે લાયસન્સની જરૂર પડતી

0
739

જેમ-જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ જુની ટેકનોલોજીની જગ્યાએ નવી-નવી ટેકનોલોજી અને નવા-નવા સાધનો વિકસ્તા ગયા, જેમાં રાજાશાહી વખતમાં મોભાદાર ગણાતી સાયકલ આજના સમયમાં ભુતકાળ બનતી જાય છે. આજે વિશ્ર્વ બાયસીકલ દિવસે રાજાશાહી વખતમાં સાયકલ ખરીદવા અને ચલાવવા માટે કેવા-કેવા નિયમો હતાં. તે જાણીને અત્યારે આશ્ર્ચર્યની સાથે હસવું પણ આવશે.


વિશ્ર્વ આખું આજે બાયસીકલ દિવસની ઉજવણી કરી રહ્યું છે. એક સદીથી પણ વધારે સમયનો ભવ્ય ભુતકાળ ધરાવતી સાયકલ આધુનિક યુગમાં તેનું સ્થાન ચોકકસથી ગુમાવી રહી છે. પરંતુ તેની સાથેનો ઝાજરમાન ભુતકાળ કયારેય નહીં વિસરી શકાય. જામનગરની વાત કરવામાં આવે તો આઝાદી પુર્વેના રાજાશાહી સમયમાં પ્રથમ બાયસીકલ વિદેશમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવી હતી. કોઇ પણ પરિવહનને લઇને ભૌતિક સાધનોની જે-તે સમયે એટલી ઉણપ હતી કે, તત્કાલીન સમયમાં સાયકલ આજની ઇમ્પોર્ટટ કાર જેટલું જ મહત્વ ધરાવતી હતી. જેમ કાર માટે અત્યારે વિદેશી ડ્યુટી, લાયસન્સ રજીસ્ટ્રેશન સહિતની પ્રક્રિયાઓ ફરજીયાત છે તેમ જે તે સમયે સાયકલ માટે પણ આજ નિયમો બનાવવામાં આવ્યા હતાં. સાયકલ માટે એક અલગથી વહીવટી વિભાગ ખોલવામાં આવ્યો હતો. સાયકલ ખરીદવાથી માંડીને જાહેરમાર્ગ પર ચલાવવા માટે ચોકકસ નિયમો કે, કાયદાઓ બનાવવામાં આવ્યા હતાં.


ગોંડલ સ્ટેટની વાત કરવામાં આવે તો જે-તે સમયે બાયસીકલ ચલાવનારના માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતાં તે પૈકી સાયકલ કેમ ચલાવવી તે નકકી કરવામાં આવ્યું હતું. જેમાં ચાલક જમણીબાજું વળવાનું હોય ત્યારે પાછળ આવનારને ચેતવણી આપવા માટે પોતાનો જમણો હાથ જમણી બાજું સીધ્ધો લાંબો કરવો ફરજીયાત હતું અને સાયકલ ઉભી રાખવી હોય તો કોળી ખંભાની પાસે રાખવી ઉભો કરવો. આ ઉપરાંત ફુટપાથ ઉપર કે લોકોના જાનમાલની સલામતી જોખમાય એમ ઝડપથી સાયકલ ન ચલાવવા પણ કાયદો બનાવવામાં આવ્યો હતો. સાયકલ સવારે પોલીસ કહે ત્યારે ફરજીયાત ઉભી રાખવી અને પોલીસને સંતોષકારક જવાબ આપવાનો પણ નિયમ હતો. આ ઉપરાંત સાયકલ ભાડે લઇ જનાર જો ગુન્હો કરે તો તેનું નામ જણાવવાની ફરજ ભાડે આપનારની રહેશે એમ પણ નકકી કરવામાં આવ્યું હતું. આ તમામ બાબતો અન્વયે જો અદાલતમાં ગુન્હો સાબીત થાય તો રૂા. 5 નો દંડ પણ નકકી કરવામાં આવ્યો હતો.


આજના જમાનામાં સાયકલ વિસરાઇ ગઇ છે ત્યારે સાયકલ માટે રાજાશાહી વખતના બનાવાવમાં આવેલા નિયમો અત્યારની પેઢીને હાંસ્યાસ્પદ લાગશે. પરંતુ એક જમાનો એવો પણ હતો કે જે-તે સમયે સાયકલની આર.સી.બુક પણ બનાવવામાં આવતી હતી જેમાં સાયકલની જાત, સાયકલની સાઇઝ, સાયકલનો કલર, સાયકલના ફ્રેમનો નંબર અને સાયકલ ધારકનું નામ પણ અચુક ટપકાવવાનું ફરજીયાત હતું. આજે માત્ર એક બીલના આધારે સાયકલની ખરીદી થઇ શકે છે. આજે સાયકલ મોટા ભાગે બાળકો સુધી જ મર્યાદિત રહે છે ત્યારે ચોકકસથી કહી શકાય કે, સાયકલનો પણ એક પોતાનો અલાયદો જમાનો હતો., દસકો નહિ દસકાઓ હતા અને ઠાઠમાઠ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here