જામનગર: જામનગર જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા દર માસે કુલ 4 પરેડનું આયોજન કરવામાં આવે છે. દરેક હોમગાર્ડ જવાનને બે પરેડમાં ફરજીયાત રીતે ભાગ લેવાનો હોય છે. તેમજ વી.વી.આઈ.પી.ફરજ, ચૂંટણી ફરજ, કેમ્પમાં પણ ફરજીયાત રીતે સોંપાયેલી ડ્યુટીનું પાલન કરવાનું હોય છે.
પરંતુ અમુક હોમગાર્ડ જવાનો દ્વારા તેમને સોંપાયેલી ફરજ પૂર્ણ ના કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જે ખુબ જ ગંભીર બાબત છે. અનેક વખત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા આ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ હોમગાર્ડઝ જવાનો દ્વારા હોમગાર્ડઝ અધિનિયમ-1947 ની કલમ- 4 (1) તળે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના હુકમનો અનાદર કરવામાં આવ્યો છે.
આ સર્વે બાબતોને ધ્યાનમાં રાખીને કાલાવડ તાલુકા યુનિટના જવાન એઝાઝ રફીકભાઈ માંકડિયા, સિક્કા યુનિટના જવાન જીતેન્દ્ર જે. રાણવા, સીટી એ યુનિટના જવાન મુકેશ રતિલાલ વડગામા અને હાર્દિક શૈલેષભાઇ મકવાણા, સીટી બી યુનિટના જવાન સુનિલ જી. દાઉદીયાને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ હોમગાર્ડઝ અધિનિયમ- 1947 ની કલમ- 6 (બ) (1) મુજબ જિલ્લા હોમગાર્ડઝ દળમાંથી બરતરફ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.
આ અંગે વધુમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ જણાવ્યું હતું કે વર્ષ-2024 ના અંતે જે હોમગાર્ડઝ જવાનોની પરેડ કે તાલીમ 50% થી ઓછી હશે, તો તેઓની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેમને બરતરફ કરવા સુધીની શિક્ષા કરવામાં આવશે. તેથી જે જવાનો નિયમિત ના હોય તેઓએ તાત્કાલિક પરેડ કે અન્ય ફરજમાં સામેલ થઈ જવા અંગે તાકીદ કરવામાં આવી છે. તેમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ એલ.સરવૈયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.જિલ્લા હોમગાર્ડઝ દળ એ તાલીમ અને શિસ્તને વરેલું દળ છે. આ દળની સ્થાપના દળના જવાનોને તાલીમ, અનુસાશન, નિષ્ઠા અને સેવા કાર્યો માટે તૈયાર કરવાના હેતુથી નિર્માણ કરવામાં આવ્યું છે. હોમગાર્ડઝ દળમાં તાલીમને સૌપ્રથમ અગ્રતા આપવામાં આવે છે.