જામનગર અપડેટ્સ : સુરત ખાતેથી હની ટ્રેપની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે સખ્સોએ નકલી પોલીસની ભૂમિકા ભજવી, યુવતી સાથેની અંગત પળનો વિડીઓ ઉતારી બે વેપારીઓ પાસેથી રૂપિયા બે લાખની માંગણી કરી હોવાની વિગતો સામે આવી છે.
છેલ્લા થોડા વર્ષોથી સ્વરૂપવાન મહિલાઓ-યુવતીઓની ટોળકી પરિચય કેળવી પૈસાદાર યુવાનોને પોતાનો શિકાર બનાવી હનીટ્રેપમાં ફસાવતી હોવાના અનેક કિસ્સા નોંધાઈ ચુક્યા છે ત્યારે સુરતથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં સાડીઓ પર લેસ પટ્ટી લગાવવાનો વ્યવસાય કરતા એક આધેડ અને તેના મિત્રને પુણા વિસ્તારમાં રહેતી એક યુવતીએ મોહજાળમાં ફસાવી, અંગત પળોનો વિડીઓ ઉતારી લીધો હતો. યુવતીએ તેના સાગરીતો સાથે કરેલ પ્લાન મુજબ બંને વેપારીઓને નિયત જગ્યાએ બોલાવી અંગત પળોનું શુટિંગ કરી લીધું હતું. ત્યારબાદ ટ્રેપ ટોળકીના બે નકલી પોલીસ બની સખ્સો સામે આવ્યા હતા. જયારે એપાર્ટમેંટના રૂમમાં બંને વેપારીઓ અને યુવતી હતી ત્યારે કાપોદ્ર વિસ્તારમાં રહેતા વિજય મેહુલ લુણી અને પુણા ગામના અમિત મનસુખ ઠક્કર નામના સખ્સો ત્રાટક્યા હતા. પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી પ્રકરણ સમાપ્ત કરવા રૂપિયા છ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ રૂપિયા બે લાખમાં પતાવત થઇ હતી. સ્થળ પર જે એક વેપારીએ રૂપિયા ૪૫ હજાર આપ્યા બાદ અન્ય યુવાનને ગોંધી રાખે વેપારીને અન્ય રૂપિયાની વ્યવસ્થા કરવા બહાર મોકલ્યો હતો. જે રૂપિયા ૧.૫૫ લાખની વ્યવસ્થા કરી આવ્યા બાદ બંને રવાના કરાયા હતા. દરમિયાન પોતે હની ટ્રેપનો ભોગ બન્યા હોવાની અને નકલી પોલીસે તોડ કર્યો હોવાનું ધ્યાને આવતા પોલીસે વેપારીની ફરિયાદ નોંધી પુણા વિસ્તારમાં તપાસ કરી હતી, જેમાં ઉપરોક્ત આરોપીઓ ઉપરાંત રેખા નામની યુવતીનો પર્દાફાસ થયો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.