જન્માષ્ટમીના રોજ દ્વારકા જવાનો પ્લાન છે, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે !

0
391

દેવભુમી દ્વારકાઃ કૃષ્ણની કર્મભુમીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે દેવસ્થાન સમીતિ દ્વારા સાતમ અને આઠમના દિવસ દરમિયાન મંદિરનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મંગળા આરતીથી લઇને છેક શયન સુધીના કાર્યક્રમનો સમાવેશ થાય છે. કૃષ્ણજન્મોત્સવને લઇને નિત્યક્રમમાં થોડો ફેરફાર કરાયો છે. કૃષ્ણજન્મોત્સવ મનાવવા દ્વારિકા આવતા ભાવિકોને અવગળતા ન રહે તે હેતુથી સમગ્ર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

આગામી તારીખ 19મીના રોજ જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાશે, ત્યારે કૃષ્ણની કર્મભુમી એવા દ્વારિકા નગરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસથી ભગવાન દ્વારિકાધીશના જન્મના વધામણા કરવામાં આવશે. તારીખ 19 અને 20મીના રોજ જગતમંદિરનો દિનક્રિયાક્રમ દેવસ્થાન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ સવારે છ કલાકે શ્રીજીની મંગળા આરતી/દર્શન, સવારે 6થી 8 વાગ્યા દરમિયાન મંગળા દર્શન જ્યારે 8 વાગ્યે શ્રીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેક દર્શન કરાવવામાં આવશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે શ્રીજીને સ્નાનભોગ અર્પણ કરાવવામાં આવશે. સાડા દશ વાગ્યે શ્રૃંગારભોગ, 11 વાગ્યે શ્રૃંગાર આરતી, સવા અગ્યાર વાગ્યે શ્રીજીને ગ્વાલભોગ અર્પણ કરવામાં આવશે.નિત્યક્રમ મુજબ રાજભોગનો સમય બપોરે 12 વાગ્યાનો રહેશે અને એક વાગ્યાથી પાંચ વાગ્યાના ગાળા દરમિયાન અનોરસ એટલે કે મંદિર બંધ રહેશે.

જ્યારે બપોર બાદ સાંજે પાંચ કલાકે ઉત્થાપન દર્શન, સાડા પાંચથી પોણા છ વાગ્યા દરમિયાન ઉત્થાપનભોગ, સવા સાતથી સાડા સાત દરમિયાન સંધ્યાભોગ, સાડા સાત વાગ્યે સંધ્યા આરતી દર્શન, રાત્રે 8થી દશ મિનિટ સુધી શયનભોગ અને સાડા આંઠ વાગ્યે શયન આરતી તેમજ 9 વાગ્યે શયન અનોરસ એટલે કે મંદિર બંધ રહેશે.

શ્રીજીના જન્મોત્સવના દર્શનના સમયની વાત કરીએ તો રાત્રે 12 વાગ્યે જન્મોત્સવની આરતી દર્શન કરવામાં આવશે, જે અઢી કલાક એટલે કે મોડી રાત્રે અઢી વાગ્યે શ્રીજીને શયન કરાવી મંદિર દર્શન બંધ રહેશે.

જન્મોત્સવના બીજા દિવસે સવારે સાત વાગ્યે શ્રીજીના પારણા ઉત્સવ દર્શન કરાવવામાં આવશે. જ્યારે સાડા દશથી છેક પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. સાંજના ક્રમની વાત કરવામાં આવે તો સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન, જે એક કલાક સુધી ભક્તો માટે ખુલ્લુ રહેશે. જ્યારે છ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન શ્રીજીની અભિષેક પુજા કરવામાં આવશે. આ અભિષેક પુજા દરમિયાન મંદિર દર્શન બંધ રહેશે. સાંજે સાત વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી દર્શન કરી શકાશે, રાત્રે આઠ વાગ્યા અને દશ મિનિટે શયનભોગ, સાડા આઠ વાગ્યે શયન આરતી દર્શન અને સાડા નવ કલાકે શ્રીજીને દર્શન કરાવી મંદિર બંધ રહેશે. ત્યારે તમામ ભક્તોએ દ્વારિકા આવતા પહેલા આ સમય નોંધી લેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here