સનસનાટી : ફાયરીંગ પ્રકરણમાં રાજકારણીના જમાઈની સંડોવણી ?

0
1031

જામનગર : જામનગરમાં ગત તા. ૩જી જુલાઈના રોજ આહીર બિલ્ડર પર કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ઇસારે શૂટર્સ રોકી હત્યા કરાવવાના કારસા અને ફાયરીંગ પ્રકરણમાં નવા કડાકા ભડાકાના આસાર વર્તાઈ રહ્યા છે. પોલીસે પકડેલ ત્રણેય શૂટર્સ સહિતના ચાર સખ્સોને જેલ હવાલે કરી દીધા છે જયારે જેની સંડોવણી ખુલવા પામી છે તે નામચીન રજાક સોપારી અને તેના ભાઈ હજુ ફરાર છે ત્યારે આ પ્રકરણમાં આજકાલમાં કડાકાભડાકા થવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ચકચારી પ્રકરણમાં એક રાજકારણીના અંગત સબંધીનો રોલ સામે આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જામનગરમાં જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં લાલપુર બાયપાસ પાસે ક્રિષ્નાપાર્કમાં આહીર બિલ્ડર ગીરીશ ડેર પર ત્રણ અજાણ્યા સખ્સોએ ફાયરીંગ કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ સખ્સોને અમદાવાદ એટીએસની ટીમે પકડી પાડ્યા હતા. જામનગર પોલીસે ત્રણેય સખ્સોને રિમાન્ડ પર લઇ આ પ્રકરણની સમગ્ર કડીઓ મેળવી હતી. જેમાં કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને ક્રિષ્નાપાર્ક વાળી જગ્યાના મૂળ માલિકો સાથે થયેલ મનદુઃખને લઈને ત્યાર બાદ બિલ્ડરે જમીન પર બાંધકામ શરુ કરતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું.

આરોપી જયેશ પટેલએ જામનગરના નામચીન રજાક સોપારી, તેના ભાઈ અને જસપાલસિંહની મદદથી આ વારદાતને અંજામ અપાવ્યો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે જામનગરના જશપાલસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. દરમિયાન શૂટર્સ અને જશપાલના રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે. હાલ એલસીબી નામચીન રજાક સોપારી અને તેના ભાઈ તેમજ જમીન માફિયા જયેશ પટેલની શોધખોળ ચલાવી રહી છે. ત્યારે આ પ્રકરણમાં આગામી દિવસોમાં નવા કડાકાભડાકા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, આ પ્રકરણમાં એક રાજકારણીના અંગત સબંધીની સંડોવણી ખુલવા પામી છે. રાજકારણમાં સક્રિય એવા દંપતીના અંગત સંબંધીની સંડોવણી સામે આવી હોવાની વિગતો સુત્રોમાંથી જાણવા મળી છે. જો કે પોલીસ તરફથી કોઈ સખ્સની સતાવાર ધરપકડ દર્શાવવામાં આવી નથી ત્યારે નજીકના સમયમાં આ પ્રકરણમાં રાજકીય સમીકરણો ઉમેરાવવાની શક્યતા નકારી શકાતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here