જામનગર : કોરોના વાયરસ સંક્રમણ કાળમાં અને દરરોજ દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારાને ધ્યાને રાખી જામનગર તાલુકાના ઠેબા ગામ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયા બાદ આજે વધુ એક ગામના નાગરિકો ઠેબા ગામના રસ્તે ચાલી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.
લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ આગળ વધતા હવે આરોગ્ય તંત્ર માટે કોરોનાને નાથવો લગભગ અશક્ય સમાન છે કારણ કે સુપર સ્પ્રેડર દર્દી ક્યારેય શોધી નહી શકાય અને કોરોનાનું સંક્રમણ અનેક ગણી તેજીથી આગળ વધશે એમાં શંકાને સ્થાન નથી ત્યારે નાગરિકો જ કેર કરે એ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. ગઈ કાલે ઠેબા ગ્રામપંચાયતના નિર્ણય બાદ આજે જામનગર તાલુકાના ધુડશીયા ગ્રામપંચાયત દ્વારા તમામ નાગરિકોને સાથે રાખી ગામના હિતમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.
આ સ્વૈચ્છિક લોકડાઉનમાં અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, જે મુજબ તમામ વેપારીઓએ પોતાની દુકાનો સમય સવારે ૬:૦૦ વાગ્યેથી ૧૧:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૪:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ખુલી રાખશે. આ ઉપરાંત દરેક વ્યક્તિ એ માસ્ક ફરજીયાત પહેરવું. જાહેર સ્થળોએ ટોળું વળવું નહિ. સુરત,અમદાવાદ, બરોડાથી આવેલ વ્યક્તિએ કોઈપણ દુકાને ચીજ વસ્તુ લેવા જ્વું નહિ. તેથી કોરન ટાઈન નો નિયમ જળવાઈ રહે. અને ચા ની હોટલ અને તમામ નાસ્તાભુવન તથા વાણંદ કામની દુકાનો સાતદિવસ બંધ રહશે. તેમજ સુરત,અમદાવાદ, બરોડાથી આવેલ વ્યક્તિઓએ ધુડશીયા ગ્રામ પંચાયતમાં જાણ કરવા નક્કી કરવામાં આવ્યું છે. ધુડશીયા ગ્રામપંચાયત સરપંચ રામજીભાઈ રાઠોડ, ઉપ સરપંચ બાબુલાલ વાગડિયા, સદ્સ્યો રાજુભાઈ ભંડેરી, સુરેશભાઈ માધાણી, ભીખાભાઈ ભંડેરી, રમેશભાઈ વાગડિયા, પ્રવીણભાઈ વેકરીયા, કારુભાઈ રાઠોડ તેમજ આગેવાનો હાજર રહી ચર્ચાઓ કરી લોકડાઉનનો નિર્ણય લીધો હતો.