ગોજારી રાત : રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા પાંચ દર્દીઓના મોત, છને બચાવી લેવાયા

0
753

જામનગર અપડેટ્સ : રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કોવીડવોર્ડમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓ ભડથું થઇ ગયા છે જયારે અન્ય છને બચાવી લેવામાં આવ્યા છે. ખાનગી હોસ્પીટલના બીજા માળે આવેલ વોર્ડમાં શોર્ટસર્કીટ થતા આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો જાહેર થઇ છે. મુખ્ય મંત્રીએ આ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે તો કમિશનરે કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

રાજકોટમાં આનંદબાગ ચોક નજીક મોડી રાત્રે ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ હોસ્પીટલના બીજા માળે બનાવવામાં આવેલ કોવીડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ચોતરફ વોર્ડ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આગની આ ઘટનાને પગલે ફાયર વિભાગની પાંચ ગાડીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોચી પાણીનો મારો ચલાવ્યો હતો.

આગની આ ઘટનાને પગલે વોર્ડમાં દાખલ દર્દીઓ પૈકી પાંચ દર્દીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા. જેમાં નીતિનભાઈ બાદાણી, રામસિંહભાઈ, રશીકભાઈ અગ્રાવત, કેશુભાઈ અકબરી અને સંજય રાઠોડ નામના પાંચ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય દર્દીઓને તાબડતોબ અન્ય હોસ્પિટલમાં સિફટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કમિશ્નર, પોલીસ કમિશ્નર, મેયર, વિપક્ષી નેતા, એફએસએલ અને ડોકટરોની ટીમ તુરંત ઘટના સ્થળે પહોચી હતી.

કમિશ્નર ઉદિત અગ્રવાલના જણાવ્યા મુજબ આ ઘટના ઘણી દુઃખદાયી છે. બનાવ પાછળ જે કોઈની બેદરકારી સામે આવશે તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલને ગત સપ્ટેમ્બર માસમાં એનઓસી આપવામાં આવી છે. આગ લાગી ત્યારે એક્ઝીટ ગેટ અને ફાયરની સુવિધા હતી કે કેમ ? તેના જવાબમાં અગ્રવાલે જણાવ્યું હતું કે બહાર નીકળવાના રસ્તા અંગે તપાસ કરવામાં આવશે. આ ઘટના અંગે મુખ્ય મંત્રી રૂપાણીએ માહિતી મેળવી દુખ વ્યક્ત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here