ગાંધીનગર : એક સાથે 18થી વધુ ઍફએમ રેડિયો જોકીઝનો અવાજ ગુંજી ઉઠ્યો વેબિનારમાં, આવો થયો સંવાદ

0
291

ગાંધીનગર : કોવિડ-19ની મહામારી વચ્ચે આગામી દિવસોમાં આવનારી આ રોગ અંગેની રસી લોકો માટે આશાનું કિરણ લઈને આવી છે. કેટલાક વિકસિત દેશોમાં રસીકરણ ઝુંબેશ શરુ પણ થઇ ચુકી છે, તેવા સમયે ભારત અને ગુજરાત રાજ્યમાં પણ હવે કોવિડ-19 સામેની રસી હવે ટૂંક સમયમાં આવવાની છે. આ પરિસ્થિતિમાં રસીકરણને લગતી સાચી અને વૈજ્ઞાનિક માહિતી, રસીકરણ અંગે લોકોમાં પ્રવર્તતા પ્રશ્નો અને ચિંતા, રસીકરણ કોનું અને શા માટે કરવામાં આવશે તેમેજ રસીકરણ પછી શું હાલનું જે ચોક્સાઈપૂર્વકનું સલામત વર્તણુક છે તે યથાવત રાખવી પડશે કે નહિ, તે અંગે એક રાજ્યમાં કાર્યરત અને લોકપ્રિય બનેલા એફએમ રેડિયો સ્ટેશન્સના રેડિયો જોકીઝ સાથેનો સેન્સેટીઝેશન વાર્તાલાપ આજે યોજાઈ ગયો.

રાજય સરકારના માહિતી વિભાગ, યુનિસેફ-ગુજરાત તથા પીડીપીયુસીસીસીઆર-પીડીપીયુના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રેડીઓ પ્રોફેશનલ્સ વર્કશોપમાં રેડીઓ મિર્ચી, રેડીઓ સીટી, રેડીઓ વન, રેડ ઍફએમ, ટોપ એફએમ, માય એફએમ, રુડીનો રેડિયો (કમ્યુનિટી રેડિયો), ગુજરાત યુનિવર્સિટી રેડીઓ, રેડીઓ નઝરીયા, રેડીઓ પ્રિઝનના લગભગ 18થી વધુ રેડીઓ જોકીઝ અને રેડીઓ પ્રોફેશનલ્સ જોડાયા હતા.

આ પ્રસંગે માહિતી ખાતાના નિયામકશ્રી અશોક કાલરિયાએ યુનિસેફ અને પીડીપીયુના માહિતી વિભાગ સાથેના આ નવતર અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે, રસીકરણ માટે નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર કામગીરી થઇ રહી છે અને સર્વેક્ષણ-મેપીંગનું કાર્ય લગભગ અંતિમ તબક્કામાં છે. રસીકરણ અંગે લોકોમાં સાચી માહિતી મળી રહે તેમેજ રસીકરણ બાદ પણ લોકોમાં કોવિડ-19ને નાથવા માટેનો ઉચિત વ્યવહાર એટલે કે -સામાજિક અંતર રાખવું, સાબુથી વારંવાર હાથ ધોવા અને માસ્કનો ઉપયોગ સખ્તાઈથી જળવાઈ રહેવો જોઈએ. વળી, આ માટે તમામ રેડીઓ જોકીઝ અને પ્રોફેશનલ્સ સામાન્ય લોકોમાં યોગ્ય સંદેશાઓ અસરકારક રીતે પ્રચારિત કરશે તેવી મને આશા છે.

આ પ્રસંગે યુનિસેફના હેલ્થ ઓફિસર ડૉ.શ્રવણકુમાર ચેનજીએ રસીકરણ, તેનો સમયગાળો, રસીકરણ માટેની પ્રાથમિકતા ધરાવતા લોકો અને આ સંબંધે મુંઝવતા પ્રશ્નો તથા સાચી માહિતી ક્યા સ્ત્રોત મારફત મળી રહેશે તે અંગેની વિશદ છણાવટ કરી હતી. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સ્ટેટ ઈમ્યૂનીઝેશન ઓફિસર ડૉ.એન.પી.જાની દવારા પણ આ સંવાદ દરમિયાન કેટલાક મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

આ સંવાદમાં જાણીતા રેડીઓ જોકીઝ : ધ્વનિત, દેવકી, જ્હાન્વી, પૂજા, રાધિકા, નિશાંત, દિક્ષિતા, ધ્રુમિલ, દિપાલી, અર્ચના, ડિમ્પલ  તથા સેવા સંચાલિત રુડીનો રેડિયોના સંચાલિકા સુનીતિ શર્મા અને તેમના સહયોગીઓ ઉપસ્થિત રહયા હતા.

આ ઓનલાઇન સંવાદમાં યુનિસેફ-ગુજરાતના કોમ્યુનિકેશન સ્પેશ્યલિસ્ટ મોઇરા દાવા, પીડીપીયુસીસીસી-પીડીપીયુના પ્રો. પ્રદીપ મલ્લિક, માહિતી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય કચોટ પણ જોડાયા હતા. આ ઓનલાઈન સંવાદનું સંચાલન યુનિસેફના કુમાર મનીષ તથા આભારવિધિ પીડીપીયુના પ્રદીપ મલ્લિકે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here