જામનગર: દેવભૂમિ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અનુ સૂચિત જાતિના એક યુવાનને યુવતી સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. બંનેની મિત્રતા અંગે યુવતીના પિતાને ખબર પડતા અકળાઈ ગયેલ પિતાએ યુવાનને આંતરી લઇ ઉપાડીને નીચે પછાડી માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી છે. જેને લઈને યુવાન હાલ કોમામાં ચાલ્યો ગયો છે. પોલીસે આરોપી સામે હત્યા પ્રયાસ અને એટ્રોસિટી સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.
દ્વારકામાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, શહેરના ટીવી સ્ટેશન પ્રા.શાળા પાસે ગઈ કાલે બપોરે બે વાગ્યાના સુમારે નર્મદાબેન સામજીભાઇ વાલજીભાઇ જેઠવાના સોતન પુત્ર હાર્દિક ગોવિંદભાઈ બારીયાને આ જ વિસ્તારમાં રહેતા જેશલભાઇ ગઢવી નામના સખ્સે આંતરી લીધો હતો. આરોપીએ હાર્દિકને રોકી, પોતે જાણતો હોય કે કોઇ માણસને ઉપાડીને જમીન પર પછાડવામા આવે તો તે માણસનુ મુત્યુ નીપજી શકે તેમ છતા આરોપીએ હાર્દિકને ઉપાડી પછાડી દઇ માથાના ભાગે હેમરેજની ગંભીર જીવલેણ ઇજા પહોચાડી હતી. આ ઘટનાને અંજામ આપી આરોપી નાશી ગયો હતો જયારે યુવાન હાર્દિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને સારવાર આપી હતી. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા યુવાન કોમામાં ચાલ્યો ગયો હતો. માથા ઉપરાંત યુવાનને ડાબા હાથના પોચા ઉપર અને જમણા પગના અંગુઠા ઉપર છોલછાલ સહીતની ઇજા પહોચી હતી.
આ ઉપરાંત આરોપીએ પોતાના બચાવ માટે બનાવ અંગે તેની માતાને ખોટી માહીતી જણાવી હતી. આ બનાવ અંગે પોલીસે હાર્દિકના માતાની ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપી સામે ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૫, ૩૫૨, ૩૦૭, ૩૦૮ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(૫) મુજબ ફરિયાદ નોંધી છે. જેમાં હાર્દીક ગોવીંદભાઇ બારીયાને આરોપીની દિકરી સાથે મીત્રતા, જે અનુ.જાતી.ના હોય જે બાબતની આરોપીને જાણ થતા તે બાબતનુ મનદુખ રાખી હાર્દિક પોતાનું મોટર સાયકલ લઇ ઘરે જતો હતો ત્યારે આરોપીએ આંતરી લઇ હુમલો કર્યો હતો. આ ફરિયાદના આધારે એસટીએસસી સેલના ડીવાયએસપી સમીર સારડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.