જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર અકસ્માતની પરંપરા સર્જાઈ છે. ગઈકાલે ડબલ સવારી બાઇકને પાછળથી આવી રહેલા અજ્ઞાત વાહનના ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો, જેમાં બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ગંભીર સ્વરૂપે ગાયલ થયા છે અને સારવાર હેઠળ છે. જે અકસ્માત મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં આંબેડકર નગરમાં રહેતો દિલીપભાઈ માધુભાઈ શેખા નામનો યુવાન પોતાના ફાઈબાના દીકરા એવા પિતરાઈભાઈ વિક્રમભાઈ અમૃતભાઈ ધમ્મરને પોતાના બાઈકમાં પાછળ બેસાડીને કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન રીનારી ગામથી ફગાસ ગામના પાટીયા પાસે આવી રહેલા એક અજ્ઞાત ફોરવીલ ના ચાલકે ઠોકરે ચઢાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈઓને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ છે, અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ ની ટુકડી ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઈ છે, અને અકસ્માત સર્જનાર ફોરવીલ ચાલક ની શોધખોળ હાથ ધરી છે.