દ્વારકા : કલ્યાણપુર પોલીસ ગુંડાગીર્દી પર ઉતરી આવી, નાબાલિકને માર માર્યો

0
2868

જામનગર અપડેટ્સ : આમેય પોલીસની આબરૂ કેટલી છે એ બાબત કલ્યાણપુર પોલીસને સારી રીતે ખબર હશે એટલે જ ગુંડાગીર્દી પર ઉતરી આવેલ પીએસઆઈ ફરીદા ગગનીયા અને તેની સ્પેશ્યલ સભ્ય-સભ્યોની ટીમે એવો તે કાળો કેર વર્તાવ્યો કે નાબાલિકને પણ ન છોડ્યો, કાયદાથી સંઘર્ષિત એક સગીરની ધોલાઈ કરી પોલીસની આબરૂ પર ફરી વખત પાકો ‘કલર’ કરી દીધો છે. પોતાને ખેરખા સમજતા મહિલા પીએસઆઈ અને તેની માનીતા સ્ટાફની ટીમ સામે સગીર કોર્ટે પહોચતા પોલીસની ગુંડાગીર્દી ઉઘાડી પડી છે. કોર્ટે પોલીસને તપાસ કરવાના આદેશ આપતા ડીવાયએસપી કક્ષાએ તપાસ શરુ થઇ છે. પણ, તપાસ કઈ દિશામાં અને કેવી રહેશે ? એ તો સમય જ બતાવશે પણ હાલ પોલીસની ગુંડાગીરી હાલારમાં ચર્ચાનો વિષય બની છે.

વારે વારે વિવાદમાં રહેતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ સબ ઇન્સ્પેકટર ફરીદા ગગનીયા અને તેના તાબાનો સ્ટાફ વધુ એક વખત ચર્ચાના એરણે ચડ્યો છે. આ વખતે ખાલી ચર્ચા જ નથી પણ પોલીસની ગુંડાગીરી ભર્યા વ્યવહાર સમગ્ર પોલીસબેડાને કલંકિત કર્યો છે. પોલીસની અંગ્રેજશાહીને લઈને વિવાદ છેડાતા સમગ્ર હાલારમાં પીએસઆઈ અને તેની ટીમ સામે ફિટકાર વરસ્યો છે. વાત એમ છે કે સપ્તાહ પૂર્વે કલ્યાણપુર તાલુકાના રાણ ગામે પીએસઆઈ ગગનીયા અને તેની ટીમે પ્રોહીબીશન સબબ કાર્યવાહી કરી હતી. પોલીસનું માનવામાં આવે તો એક નાબાલિકના કબ્જામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બસ વાત અહીથી શરુ થાય છે. જે તે નાબાલિકનું કાઉન્સેલિંગ કરવાને બદલે પીએસઆઈ આણી મંડળી ઉઠાવી જાય છે પોલીસ દફતર, પોલીસની  કાર્યવાહીથી એકદમ હેબતાઈ ગયેલ નાબાલિક પોલીસ દફતરમાં સુનમુન થઇ ગયો હતો. કથિત દારૂ પ્રકરણમાં ઉઠાવી લેવાયેલ નાબાલિકને મોડી રાત્રે પીએસઆઈ ફરીદા ગગનીયા અને તેની ટીમ દ્વારા સખ્ત માર મારવામાં આવ્યો, સતત બે દિવસ સુધી પોલીસે નાબાલિકને ગોંધી રાખી,  અમાનુષીભર્યા શારીરિક યાતના બાદ પોલીસે નાબાલીકને માર મારી છેવટે તો કોર્ટમાં રજુ કરવો પડ્યો, બાળ અદાલતના જજે નાબાલિક બાળકને સાંત્વના આપી પૂછતાં આખરે પોલીસ જ આરોપીના કઠખરામાં આવી ગઈ, નાબાલિક બાળકે પેન્ટ ઉતારી પોલીસની યાતના બતાવતા જ જજે કલ્યાણપુર પોલીસને હાજર થવા હુકમ કરી, બાળકને સારવાર અપાવવાનો હુકમ કર્યો હતો. જેને લઈને બાળ અદાલતમાં હાજર થયેલ પીએસઆઈ ફરીદા ગગનીયા અને તેની સાથેના ત્રણ કોસ્ટેબલને ઓળખી બતાવ્યા હતા. જેને લઈને કોર્ટે તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતા.

પોલીસે પોતાની કામગીરીની વ્યાખ્યા બદલાવી, નામ આપ્યું ગુંડાગીરી

પોલીસ પ્રજાનો મિત્ર છે એવું પોલીસ સમાજમાં ગાઈ વગાડીને વારે વારે કહે છે. આઈપીએસ લોબી મોટા મોટા મેળવવા કરી સમાજમાં છાપ સુધારવા પ્રયાસ કરે છે પણ કલ્યાપુર પોલીસ દફતરના પીએસઆઈ ગગનીયા અને તેનો સ્ટાફ અધિકારીઓની મહેનત પર પાણી ફેરવે છે. પોલીસ દફતરમાં કોન્સ્ટેબલથી માંડી આઈપીએસ સુધીના અધિકારીઓમાં એવા કેટલાય કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક છે જેનો સમાજ આદર કરે છે. પણ કલ્યાણપુર પોલીસની જેમ ગુંડાગીરી પર ઉતરી આવતો સ્ટાફ આવા સજ્જન સ્ટાફની આબરૂને ધૂળધાણી કરે છે. કલ્યાણપુર પોલીસે નાબાલિક પર અત્યાચાર ગુજારી પોલીસની કામગીરીની વ્યાખ્યા જ બદલી નાખી છે.  

તપાસકર્તા ડીવાયએસપી ચોધરી શું કહે છે ? પોલીસ જ આરોપી બની જતા કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. જેને લઈને ડીવાયએસપી ચોધરી અને તેની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ‘હા આ બાબત ગંભીર ગણી શકાય, હાલ તપાસ શરુ કરી દેવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસની કાર્યવાહી અને નાબાલિકના આરોપ અંગેની સત્યતા સામે આવશે એમ ડીવાયએસપી ચોધરીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here