મેઘતાંડવ : સડોદરમાં ચાર ભેંસ તણાઈ, કાલાવડ-જામનગર વાહનવ્યવહાર અવરોધાયો

0
936

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં ગઈ કાલે રવિવારે મેઘરાજાએ બે તાલુકાઓને તરબતર કરી નાખ્યા છે. ગઈ કાલે કાલાવડ અને જામજોધપુર તાલુકામાં સાંબેલાધાર દસ ઇંચ સુધી વરસાદ વરસી જતા પાણી પાણી થઇ ગયું છે. ભારે વરસાદને લઈને ત્રણ ભેસના મોત થયા છે જો  કે કોઈ માનવ હતાહત થવા પામી નથી. બીજી તરફ જીલ્લાના ૨૬ પૈકી ચાર ડેમ ઓવરફલો થઇ ગયા છે જયારે અન્ય ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થવા પામી છે.

જીલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમના આકડાઓની વાત કરીએ તો રવિવારથી આજ સવારના છ વાગ્યા સુધીમાં જામનગર જીલ્લામાં ૨૪ કલાકમાં અડધાથી છ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં લાલપુરમાં અડધો, જોડિયા, જામજોધપુર અને ધ્રોલમાં દોઢ ઇંચ અને જામનગરમાં એક ઇંચ વરસાદ સતાવાર નોંધાયો છે. જયારે સૌથી વધુ કાલાવડમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે આ વરસાદ માત્ર તાલુકા મથક પર જ નોંધાયો છે પરંતુ ગ્રામ્ય પંથકની વાત કરીએ તો એક થી દસ ઇંચ વરસાદ પડી ગયો છે. જેમાં જામજોધપુર અને કાલાવડ પંથક પર આ વર્ષે મેઘરાજ વિશેષ મહેરબાન થયા છે. ગઈ કાલે આ બંન્ને તાલુકાઓના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે જેને લઈને બંને તાલુકામાં આવેલ ફૂલઝર એક, સંગચિરોડા, કોટડા બાવીશી, વોડીસંગ અને ઉમીયાસાગર તથા સોરઠી ડેમ ઓવરફલો થઇ ગયા છે. સિંચાઈ વિભાગ દ્વારા ફૂલઝર અને ઉમિયાસાગર તથા કોટડા બાવીસી ડેમના દરવાજા ખોલી પાણીના પ્રવાહને સમતોલ કરાયો હતો. જામજોધપુરમાં ભારે વરસાદને લઈને ગામડાઓમાં પાણી પાણી સાથે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં સડોદર ગામે એક ગાડું, સાતી અને ચાર ભેસ પુરમાં તણાઈ ગઈ હતી. આ ચાર ભેંસ પૈકી ત્રણ ભેંસના મૃતદેહ મળ્યા છે. તો બીજી તરફ કાલાવડ–જામનગર વચ્ચેનો માર્ગ અવરોધાયો છે. આ માર્ગ પરના   ખંઢેરા ગામનો પુલ જર્જરિત થઇ જતા જામનગરથી આવતા વાહનો ખંઢેરાથી મોટી માટલી, ખાન કોટડા અથવા ખંઢેરાથી ગોલણીયા જવા સુચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here