દ્વારકા : એક તરફ ડીમોલીશન તો નાગેશ્વર રોડ પર ગેર કાયદેસર બાંધકામ, તંત્રના બેવડા ધોરણો કેમ ?

0
819

જામનગર :  દ્વારકા નગરીમાં હાલ ગેરકાયદેસર બાંધકામ તોડવાનો સિલસિલો ચાલુ છે ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી પરેશ ઝાખરિયા એ મુખ્યમંત્રી ઉપરાંત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે કે નાગેશ્વર રોડ પર મંજૂરી મુજબ બાંધકામ થયેલ નથી પરંતુ વધુ બાંધકામ કરીને ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવેલ છે. આ રજૂઆતની ખબર પડતાં ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દેતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મુખ્યમંત્રીને  રજુઆતમાં જણાવવામાં આવેલ છે કે શહેરી વિસ્તારમાં બાંધકામની ઓનલાઇન મંજૂરીથી બિલ્ડરોને સરળતા મળે અને પ્રજાની સુખાકારી વધે તે જરૂરી છે પરંતુ જે બાંધકામની મંજૂરી મળે છે તે પ્રમાણે બાંધકામ થવું પણ જરૂરી છે.જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરીને મંજુર થયેલ બાંધકામ ઉપરાંત વધુ બાંધકામ કરીને કાયદાનો ઉલાળીઓ કરે છે તેમની સામે સખત પગલાં ભરવા જોઇએ. વધુમાં અરજ કરતા જણાવેલ છે કે દ્વારકા શહેરના નાગેશ્વર રોડ પર અંબુજા નગર વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં રહેણાંક હેતુ માટે ફ્લેટ નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બહુમાળી ફ્લેટ ધરાવતી બિલ્ડીંગ ની ઓનલાઈન મંજૂરી મેળવવામાં આવેલ છે પરંતુ જે મંજૂરી છે તેના કરતા બાંધકામ વધુ કરવામાં આવેલ છે. આ અંગે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી. ડુડીયાએ સર્ટિફિકેટ આપવાનું હોય છે અને જાત નિરીક્ષણ કરવાનું હોય છે પરંતુ કોઈ કારણસર આ ગેરકાયદેસર બાંધકામને રોકવામાં આવેલ નથી !

આમ આડકતરી રીતે જોઈએ તો સરકારના નિયમોનો બિલ્ડરો દ્વારા ખુલ્લેઆમ ભંગ થતો હોય ત્યારે સંબંધિત સરકારી તંત્ર દ્વારા તેને રોકવો જોઈએ પરંતુ અહીં “સબ ભૂમિ ગોપાલ કી”ની જેમ સરકારી તંત્રનાં જવાબદારો ચિફ ઓફિસર, મામલતદાર, પ્રાંત અધિકારી વગેરે ને જાણે કોઈ જાણ જ ન હોય તેમ ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ રહ્યા છે. 

આમ, ગેરકાયદેસર બાંધકામ કરીને કાયદા સાથે રમત રમવામાં આવેલ છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. સરકારના નિયમ મુજબ ગેરકાયદેસર બાંધકામને દૂર કરીને સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી રહી છે ત્યારે આવી રીતે બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ ઊભી કરીને ફલેટનું વેચાણ કરીને ગ્રાહકોને ખુલ્લેઆમ ભ્રામક પ્રચાર દ્રારા  છેતરવામાં આવે ત્યારે નાના અને ગરીબ માણસો ના પૈસા વેડફાઇ જાય છે અને ગરીબ માણસોને નુકસાન થાય છે જેથી સરકારના નિયમ મુજબ ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે કાયદાકીય રીતે ફોજદારી પગલાં ભરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવું જોઈએ અને દંડ પણ વસુલ કરવો જોઈએ જેથી કરીને સરકાર દ્વારા એક સારો દાખલો બેસે અને અન્ય દબાણકર્તાઓ પણ આવું કૃત્ય ન કરે.ઉપરાંત જણાવેલ છે કે રેરાના નિયમો નો ઉલ્લંઘન કરવા બદલ કાયદાકીય પગલાં ભરીને દબાણ કરતા ને દંડ કરવો. હાલ દ્વારકામાં ભાજપ સાશીત નગરપાલિકા છે  અને રજૂઆત કતૉ પણ દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત બાદ શું આ ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે પગલા ભરાશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here