જામનગર અપડેટ્સ : યાદ છે ને ગત વર્ષ જામનગરમાં એક લગ્નમાં બબ્બે હજારની નોટોનો વરસાદ થયો હતો. આ લગ્ન પ્રસંગમાં બબ્બે હજારની નોટોનો વરસાદ કરનાર જસપાલસિંહ જાડેજાને એલસીબી પોલીસે જમીન કૌભાંડમાં ઉઠાવી લીધો છે. જામનગર તાલુકાના જાબુંડાની 3 કરોડના જમીન કૌંભાડમાં જયેશ પટેલ સાથે નજીકનો સબંધ ધરાવનાર જસપાલસિંહની સંડોવણી સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે. આરોપી જસપાલ સહીત ત્રણ સખ્સોને પોલીસે પાંચ દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો છે.
જામનગર નજીક જાંબુડા ગામે સર્વે નં. 244 પૈકીની રૂ.3 કરોડની જમીન બનાવટી દસ્તાવેજો બનાવી જમીન માલીકને હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણ કરોડની જમીન પચાવી પડવાના માટે આરોપીઓએ વારદાતને અંજામ આપ્યો હોવાની ગત જાન્યુઆરી માસમાં પંચકોશી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કૌંભાડમાં આરોપી રણજીતસિંહ પોપટભા જાડેજા(રે. જાબુંડા) અને ભૂપતસિંહ રે.જામનગર,ખોડીયાર કોલોની વાળાને તા.8/10 ના એલસીબીએ પકડી પાડયા હતાં.
ત્યારે રવિવારે એલસીબીએ આ પ્રકરણમાં ફરાર અજય દેવાયતભાઇ બરાડીયા(રે. મોખાણા) અને અમૃત નાનજીભાઇ મારૂની ધરપકડ કરી હતી. આ તમામની પૂછપરછમાં જયેશ પટેલના સાગરિત ગણાતા જશપાલસિંહ જાડેજાની સંડોવણી ખુલતા એલસીબીની ટીમે જસપાલને ગઈ કાલે ઉઠાવી લીધો છે. પોલીસે ત્રણેય સખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ એ જ જસપાલસિંહ જાડેજા છે જેણે ગત વર્ષે પોતાના ભાઈના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જામનગરથી ચેલા ગામે હેલીકોપ્ટર દ્વારા જાન લઇ જવામાં આવી હતી તો જાનના વરઘોડામાં બે હજાર સહિતની નોટોનો વરસાદ થયો હતો.