મોરારીબાપુ સામે કોણ ફુકશે કૃષ્ણ રાહે પંચજન્ય…કેમ ? જાણો

0
1469

જામનગર : અગાઉ સ્વામીનારાયણ સંપ્રદાયને લઈને વિવાદિત કથન કરનાર મોરારી બાપુએ હાલમાં શ્રી કૃષ્ણને લઈને કરેલ કથનો બાબતે વિવાદમાં સપડાયા છે. મોરારી બાપુના નિવેદનને લઈને કાન્હા વિચાર મંચ રોષે ભરાયો છે. મંચ દ્વારા પુ. મોરારી બાપુને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. પોતાના કથન અંગે બાપુ દસ દિવસમાં જ દ્વારકા આવી માફી માંગે એવી માંગણી કરી છે. આહીર સમાજના યુવાનોના આ મંચની સાથે દરેક જીલ્લાઓનો આહીર સમાજ અને જુદા જુદા ગ્રુપે કાન્હા વિચાર મંચને ટેકો આપ્યો છે.

રાજ્યભરના આહીર યુવાનો દ્વારા આધુનિક વિચારધારા અને સમાજની રૂઢિગત માન્યતાઓ અને નીતીરીતીઓ વચ્ચે સંવાદિતતા સાધી સમાજનો વિકાસ થાય એવા ઉદેશ્યથી રચવામાં આવેલ ‘કાન્હા વિચાર મંચ’ દ્વારા મોરારી બાપુને એક પત્ર લખવામાં આવ્યો છે,

આ પત્રમાં જણાવાયા અનુસાર,

૧- દ્વારકાની કર્મઠ જનતા કે જેના પૂર્વજોએ શ્રીકૃષ્ણ સાથે રહી અને કુશસ્થલીને સોનાની દ્વારકા બનાવવા પરસેવો અને પર સેવાનુ માધ્યમ પસંદ કરી કર્મની મહાનતાનો પરીચય જગતને કરાવ્યો હતો, તમે એ પ્રજાજનોને કૃષ્ણના આદેશોની અવજ્ઞા કરનારા ઉધ્ધત અને દારૂડીયા કહી એ કર્મઠતાનું અપમાન કર્યું છે

૨- કૃષ્ણવંશીઓએ સમગ્ર ગુજરાતમા સાધુ-બાવાજી સમાજને પોતાના આશ્રીત સમજી ઘરબાર-ઉતારો અને આજીવિકા આપી હજારો વર્ષોથી જે સંબંધ બાંધ્યો છે… તમે એ કૃષ્ણવંશીઓને દારૂડીયા અને છેડતી કરનારા કહીને હજારો વર્ષના એ સંબંધનુ અપમાન કર્યુ છે

૩- કૃષ્ણવંશી અને ચારણ …એટલે હજારો વર્ષના મામા ભાણેજના મીઠપભર્યા સંબંધ… ભગતબાપુ કાગની રચનાને ખોટી રીતે ચીતરી તમે એ સંબંધનું અપમાન કર્યુ છે

૪ – જેના નામમાત્રના જાપથી સમાધીનો અનુભવ થઈ શકે એવા શ્રીરાધાજીને મ્હેણા બોલતી નારી કહી તમે પુર્ણભક્તિનુ અપમાન કર્યુ છેઅરે…. શ્રીકૃષ્ણના શબ્દમાત્ર કે રાધે રડીશ નહી એવું સાંભળીને જેણે આજીવન એક આંસુ ન આવવા દીધુ એવા વિશુધ્ધ પ્રેમનુ અપમાન છે.

૫- ખેતીપ્રધાન ભારતદેશના એકમાત્ર કિસાનદેવ એવા હળધારી શ્રી બલરામજીને દારૂડીયા અને લંપટ ચીતરીને જગત તાત અન્નદાતા કિસાનોનુ અપમાન કર્યુ છે.

૬- જેના નામથી  જેના દાસ બનાવવા તમારા પુજ્ય પિતાજીએ તમારૂ નામ મોરારીદાસ પાડ્યુ એના વિષયમા આવી વાત કરી તમે તમારા સ્વર્ગીય પિતાજીનુ અપમાન કર્યુ છે એવો ભાવ કાન્હા વિચાર મંચ દ્વારા રજુ કરવામાં આવ્યો છે.આ અગાઉ પણ  નરસિંહ મહેતા વિષયક વાતમા‌ વિવાદ થાય એવો સંવાદ કયો હતો એ અમે ભૂલ સમજી ભૂલી ગયા હતા, પણ આ અપરાધો અક્ષમ્ય છે જેની માફી માંગવી જ પડશે, એમ પત્રમાં ઉલ્લેખ કરી કાન્હા વિચાર મંચ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જગદગુરૂના ચરણોમા મન-મગજ અને મસ્તિષ્ક નમાવવુ જોઈએ, એ ચોક્કસ તમારો સ્વિકાર જ કરશે અને હજીય જો શ્રીકૃષ્ણ, કૃષ્ણવંશીઓ કે દ્વારીકાની પ્રજા વિશે તમારા મગજમા એક સ્હેજ ય સંદેહ હોય તો‌ આવો દ્વારકાની પવિત્ર ભૂમિ પર તમારી શંકાઓનુ સમાધાન કરવા કાન્હા વિચારમંચ‌ તત્પર‌ છે એમ પત્રમાં જણાવી અંતે ચિંમકી આપવામાં આવી છે કે  જો ૧૦ દિવસમા દ્વારીકા જગતમંદીરે પહોચીને આ બાબતે ક્ષમા નહીં માંગો તો કાન્હા વિચારમંચ અન્ય તમામ કૃષ્ણભક્તો સાથે કૃષ્ણચિંધ્યા રાહે પંચજન્ય ફૂંકશે જેની સભાનપણે નોંધ લેવા મોરારીબાપુને કહેવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here