જામનગર : શહેર-જીલ્લામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ચોથા દિવસે પણ વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે જામનગરમાં કોરોનાએ વધુ એક દર્દીનો ભોગ લીધો છે. છેલ્લા દસ દિવસમાં આ આઠમું મોત છે, લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યો છે છતાં અનેક નાગરિકો દરકાર નથી એ વાસ્તવિકતા છે.
એક તરફ અતિવૃષ્ટિની કુદરતી આફત આવી પડતા કોરોનાકાળ નાગરિકોના મનમાંથી વિસરાતો જતો લાગે છે પરંતુ જીલ્લામાં લોકલ સંક્રમણ વધી જતા દર્દીઓની સાથે મૃતયાંકમાં પણ વધારો થઇ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. શહેરની કોવિદ હોસ્પિટલ હવે ધીરે ધીરે દર્દીઓથી ઉભરાવવા લાગી છે. બીજી તરફ કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન તીવ્ર ગતિએ આગળ વધતા દરરોજ દર્દીઓમાં ઉછાળો આવી રહ્યો છે.
છેલ્લા ચાર દિવસથી શરુ થયેલ મૃત્યુનો સિલસિલો આજે પણ અટક્યો ન હતો. લાલપુરના રાજકીય અગ્રણી અને સ્થાનિક માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીખાભાઈ ભેસદડીયાનું આજે કોવિદ હોસ્પિટલમાં સારવાર હેઠળ જ મૃત્યુ નીપજ્યું હતું. ગઈ કાલથી તેઓની તબિયત વધુ બગડતા તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતી જ્યાં આજે તેમનું મૃત્યુ નીપજ્યું છે. ભાજપ સાથે સંકળાયેલ રાજકીય અગ્રણીના મોતથી લાલપુર સહીત જીલ્લાભરના રાજકીય વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અત્યાર સુધીમાં જામનગર જીલ્લામાં આ ૧૩મુ મૃત્યુ છે જે કોરોનાથી થયું છે.