જામનગર : ભારતીય ક્રિકેટમાં યોગદાનની વાત આવે ત્યારે જામનગર અવશ્ય પ્રથમ પંક્તિમાં આવે છે. ક્રિકેટના પાયાદાર જામ રણજી હોય કે વર્તમાન ક્રિકેટમાં રવીન્દ્ર જાડેજા હોય, જામનગરે ભારતીય ક્રિકેટને ઉચ્ચ સ્તરે લઇ જવામાં યોગદાન આપ્યું જ છે. જામનગરના ભારતીય ક્રિકેટમાં રહેલ યોગદાન ક્યારેય વિસરી નથી શકાય, ત્યારે તાજેતરમાં હાથ ધરાયેલ ગતિવિધિ જામનગરના ક્રિકેટને પાયમાલ કરી દેશે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

જામનગર શહેરના એકમાત્ર સ્ટેડીયમ-પેવેલીયન કહી સકાય એવું શ્રીમાન અજીતસિંહજી ક્રિકેટ બંગલો સ્ટેડીયમ છે. અહીથી જ જામનગરને સ્ટાર ક્રિકેટર મળ્યા છે. ક્રિકેટ વિશ્વમાં મહત્વનું યોગદાન આપનાર જામ રાજા રણજીતસિંહથી માંડી વીનું માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા અને હાલના રવીન્દ્ર જાડેજા સુધીની અનેરી હિસ્ટ્રી જામનગર ધરાવે છે. આટલું યોગદાન છતાં પણ હજુ સુધી જામનગરને પ્રથમ કક્ષાની કહી સકાય એવી એક પણ ટુર્નામેન્ટ નથી મળી કે નથી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રાઉન્ડ-સ્ટેડીયમ મળ્યું, જામ રાજાઓએ ભેટ કરેલ એક માત્ર ક્રિકેટ બંગલો જ તમામ ખેલાડીઓ માટેનો જરીયો છે.

વર્તમાન ભારતીય ટીમમાં મહત્વના ઓલરાઉન્ડરની ભૂમિકામાં રહેલ રવીન્દ્ર જાડેજાએ અહી થી જ ક્રિકેટના ક ની શરુઆત કરી હતી. હજુ પણ અનેક ઉભરતા ખેલાડીઓ પોતાના કૌવતને કસબ આપી રહ્યા છે અને પ્રથમ કક્ષાના ક્રિકેટથી માંડી આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન પામવા દિવસ રાત એક કરી રહ્યા છે. ત્યારે હાલ એક માત્ર ક્રિકેટ બંગલાને કોન્ક્રીટના જંગલમાં પરાવર્તિત કરી ક્રિકેટને ખત્મ કરી નાખવાની ગતિવિધિ ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે. પ્રથમ ઇન્ડોર સ્ટેડીયમ ત્યારબાદ સ્વીમીંગ પુલ અને હવે મ્યુજીયમ બનાવવાની ગતિવિધિને લઈને આગામી સમયમાં ગ્રાઉન્ડનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ શકે છે.

ઉભરતા ખેલાડીઓને પરાણે હિજરત કરવી પડશે. આંતર રાષ્ટ્રીય કે રાષ્ટ્રીય કક્ષાના મેચ રમાડવાની વાત તો દુર હવે જામનગરના ક્રિકેટ અને પાંગરતી પેઢીના ક્રિકેટ કૌશલ્ય માટે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. જો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો સાથે સંકળાયેલ કોઈ બોલવા તૈયાર નથી પરતું અજીતસિંહજી ક્રિકેટ સંકુલમાં શરુ થયેલ કોન્ક્રીટના જંગલનો સિલસિલો વધતો રહ્યો તો અહીના ક્રિકેટનો ‘ક’ નીકળી જશે એ વાત ચોક્કસ છે. કોઈ પણ રાજકારણ છોડી જામનગરના ભવ્ય ભૂતકાળને બચાવવા તમામ ક્રિકેટ પ્રેમીઓએ આગળ આવવું જોઈએ એમ શહેરમાંથી લાગણી ઉઠી રહી છે.