ચીટીંગ : જામનગરના બંધુ દંપતીએ ફાઈનાન્સ કંપનીનું લાખોનું કરી નાખ્યું

0
1861

જામનગરમાં ગુલાબનગરમાં રહેતા બંધુ દંપતીએ એક ખાનગી ફાયનાન્સ પેઢીમાંથી લોન લઇ છ ટ્રક ખરીદી ખોટા પ્રમાણપત્ર બનાવી પેઢીને રૂપિયા ૪૩ લાખ ઉપરાંતની છેતરપીંડી કરી નાખી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બંને દંપતીએ મણીપુરમ ફાઈનાન્સ કંપનીમાંથી લોન લઇ, વાહનની માલીકી અને હાઇપોથીકેશન સંબંધીત નકલી દસ્તાવેજો બનાવી છેતરપીંડી આચરી હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં અંબીકા ભુવન, રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ રહેતા દીપક દીનેશભાઇ રામાણી, તરૂણકુમાર દીનેશભાઇ રામાણી, નેહાબેન દીપકભાઇ દીનેશભાઇ રામાણી અને રાખીબેન તરૂણકુમાર રામાણીએ વર્ષ ૨૦૧૮માં છ ટ્રક ખરીદવા માટે શહેરની ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ મણીપુરમ ફાઈનાન્સ લી. કંપનીમાંથી જુદા જુદા મહીને જુદી જુદી રકમની લોન લીધી હતી. આ ચારેય સખ્સોએ જુદા જુદા સમયે જીજે 10 એક્સ 6467 ટ્રક લઇ રૂ. 63400, જીજે 10 ટીવી 3169 નંબરનો ટ્રક ખરીદી રૂ. 13,96,000, જીજે 12 એયુ 7132 નંબરનો ટ્રક ખરીદી રૂ. 8,04,000, જીજે 14 ડબ્લ્યુ 1585 નંબરનો ટ્રક ખરીદી રૂ. 6,00,000, જીજે 12 એટી 9032 નંબરનો ટ્રક ખરીદી રૂ. 7,51,000 અને જીજે 10 ટીટી 3779 નંબરના ટ્રક ખરીદી પેટે રૂ. 11,30,000ની લોન લીધી હતી. બંને દંપતીએ છ ટ્રક પેટે રૂપિયા કુલ રૂપિયા 47,44,400ની લોન સામે કંપનીને ચૂકતે કરવાના રૂપિયા 43,20,476 ચૂકવ્યા ન હતા. કંપનીએ તપાસ કરાવતા આરોપીઓએ આ ટ્રક અન્યને વેચી માર્યા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને મણપ્પુરમ ફાઇનાન્સ લી. કંપનીમાં લીગલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિનોદ નાનાજી કદમેં જામનગર આવી સીટી સી ડીવીજન પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે ચારેય સખ્સો સામે આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૪૨૪,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) મુજબ ફરિયાદ નોંધી હતી, જેમાં આરોપીઓએ સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી, વાહનની માલીકી અને હાઇપોથીકેશન સંબંધીત નકલી દસ્તાવેજો બનાવી, આવા દસ્તાવેજો નકલી છે તેમ જાણતા હોવા છતાં આવા દસ્તાવેજોનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી કંપનીને રૂ.૪૩,૨૦,૪૭૬ની નુકશાની પહોંચાડી છેતરપીંડી આચરી હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે સીટી સી ડીવીજન પોલીસના પીએસઆઈ વી એ પરમારએ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here