બ્રેકીંગ: ગુજસીટોકના આ આરોપીને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા

0
1682

જામનગરમાં કુખ્યાત જયેશ પટેલ ગેંગ સામે નોંધાયેલ ગુજસીટોક હેઠળની કાર્યવાહી બાદ જામનગર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. આ પ્રકરણમાં સંડોવાયેલ ૧૩ સખ્સો હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. જેમાં જામનગર જેલમાં રહેલ અને જયેશ પટેલના વકીલ તરીકેની ભૂમિકા ભજવનાર એડવોકેટ વીએલ માનસાતાની આજે એકદમ તબિયત લથડતા તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે તબિયત સ્થિર હોવાથી કડક પોલીસ પહેરા સાથે તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં ગત વર્ષે કુખ્યાત જયેશ પટેલ અને તેના ૧૨ સાગરીતો સામે પોલીસે ફરિયાદ નોંધી જમીન માફિયા અને ખંડણીખોર જયેશ પટેલના ગુંડાખોરીના નેટવર્કને નેસ્ત નાબુદ કરવા પોલીસ ઓપરેશન હાથ ધર્યું  હતું. આ પ્રકરણમાં જાણીતા બિલ્ડર નીલેશ ટોલીયા સહિત ચાર બિલ્ડર, ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, નિવૃત પોલીસ જમાદાર વસરામ આહીર તેમજ જયેશ પટેલના વકીલ તરીકે રહેલ એડવોકેટ વીએલ માનસાતા સહિતના ૧૨ આરોપીઓ સામે ગુજસીટોક ધારાઓ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ અન્ય ચાર સખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે જે તે સમયે વકીલ માનસાતા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ત્રણ હજાર પેજનું ચાર્જસીટ રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજુ કર્યું હતું. દરમિયાન પાંચ આરોપીઓ દ્વારા જુદી જુદી અદાલતમાં જામીન માટેની અરજી કરી હતી. આજ દિવસ સુધીમાં એક પણ આરોપીની જામીન અરજી મંજુર થઇ નથી. બીજી તરફ લંડનમાં પકડાયેલ મુખ્ય આરોપી જયેશ પટેલને ભારત લઇ આવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ત્યારે આ પ્રકરણમાં સંડોવાયેલ અને જામનગર જેલમા રહેલ વકીલ વીએલ માનસતાની તબિયત અચાનક લથડતા તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આજે બપોરે વકીલ માનસતાને જીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે એમ જેલર નીરૂભા ઝાલાએ જણાવ્યું છે. ગઈ કાલે રાત્રે ઉલટીઓ થતા વકીલ માનસતાને જેલની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ સારું ન થતા તેઓને આજે બપોરે જાપ્તા સાથે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું ઉમેર્યું છે. વકીલ માનસાતાને જીજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે જેની જાણ થતા તેઓના શુભચિંતકો હોસ્પિટલ પહોચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here