જામનગર : કોવીડ હોસ્પિટલમાં તમામ જીલ્લાઓમાંથી દર્દીઓની સારવાર અને દર્દીઓની સામેના તબીબી વ્યવહારની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે રાજકોટ ખાતેની કોવિડ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં હોસ્પિટલનો સ્ટાફ એક દર્દીને જમીન પર પાડી દઈ હાથાપાઈ કરતો હોવાનું દેખાઈ રહ્યું છે. વિડીયો વાયરલ થતા જ હોસ્પિટલ સુપ્રીડેન્ટન્ટ દ્વારા સ્પષ્ટતા કરી તપાસનો આદેશ આપ્યો છે. બીજી તરફ આ દર્દી પર જે દિવસે સિતમ ગુજારવામાં આવ્યો તેના ત્રણ દિવસ બાદ જ દર્દીનું મોત થયું છે. પરિવારને આ વિડીઓની જાણ થતા જ પોતાના સ્વજનની હત્યાનો આરોપ લગાવ્યો છે.
રાજકોટની કોવીડ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવી છે જયારે વધુ એક વખત વિવાદ ઉભો થયો છે. જેમાં તબીબી સ્ટાફ દ્વારા દર્દી પર અત્યાચાર ગુજારાતો હોવાનું સામે આવ્યું છે. દર્દી દ્વારા પાણી આપો…પાણી આપો.. તેમ કહેવામાં આવી રહ્યું છે પરંતુ તબીબી સ્ટાફ દ્વારા કોઈવાત નહિ માની તેના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ હોસ્પિટલ અધિક્ષક દ્વારા ખુલ્લાસો કરવામાં આવ્યો છે.જેમાં ગંભીરતાને ધ્યાનમાં રાખી યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
બીજી તરફ આ વિડીયોમાં દેખાતી ઘટના તા. ૯/૯/૨૦૨૦ના દિવસે ઘટી હતી અને આ ઘટનાના ત્રીજા જ દિવસે એટલે તા. ૧૨મીના રોજ સારવાર દરમિયાન દર્દી પ્રભાકર પાટીલનું મોત થયું હતું. આજે વિડીઓ સામે આવતા મૃતકના ભાઈ વિલાસ પાટીલ સામે આવ્યા છે અને હોસ્પિટલ સ્ટાફના અત્યાચારના કારણે જ પોતાના ભાઈનું મોત થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જેને લઈને આ પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે.