જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એસએમ રાદડીયાના પત્નીનો હાલ એક વિડીયો વાયરલ થયો છે, પોતાના પતિએ કબજે કરેલી કારમાં પીએસઆઈના પત્ની ફરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ આ વિડીયો વાયરલ થઇ જતા જ એસપી શ્વેતા શ્રીમાલીએ તપાસના આદેશ આપી પીએસઆઈ રાદડિયાને સસ્પેન્ડ કરી દીધા છે.
જામનગર જીલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એસએમ રાદડીયાએ ગત મહીને એક સખ્સને વિદેશી દારુ સાથે પકડી પાડ્યા હતા અને કાર કબજે કરવામાં આવી હતી. ત્યારબાદ આ કારમાં પીએસઆઈ રાદડિયા પત્ની અને બાળકો ફરતા જોવા મળ્યા હતા તેવો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં કરવામાં આવેલ દાવા મુજબ પીએસઆઈના પત્ની ખુદ કહે છે મને ખબર નથી આ કાર કબજે કવામાં આવી છે. બીજી તરફ વિડીઓ વાયરલ થતા જ જીલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાલીએ તપાસના આદેશ આપ્યા છે. એસપીના જણાવ્યા અનુસાર આ વિડીઓની વાસ્તવિકતા સાચી હશે તો જે તે પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવશે, કબજે કરેલ કોઈ પણ મુદ્દામાલનો અંગત ઉપયોગ ન કરી શકાય એ બાબત સ્પષ્ટ છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ મુદ્દે પોલીસ તપાસ કેવી અને કઈ દિશામાં થાય છે ? હાલ આ વિડીયો વાયરલ થતા પોલીસ સામે આંગળી ચિંધાઈ રહી છે. પોલીસની પ્રતિષ્ઠા પર લાગેલા દાગને પગલે મહિલા એસપી શ્વેતા શ્રીમાલીએ તાત્કાલિક અસરથી જ પીએસઆઈ એસએમ રાદડિયાને સસ્પેન્ડ કરી દીધા છે.