હનુમાન જયંતી વિશેષ: વિશ્વનું પ્રથમ મંદિર જ્યાં પિતા-પુત્ર એક સાથે બિરાજમાન

0
532

ગુજરાતના છેડે અરબી સમુદ્રના કિનારે આવેલ ઓખા મંડળના બેટદ્વારકા ટાપુ પર હનુમાનજીનું દાંડી મંદિર તરીકે ઓળખતું મંદિર આવેલ છે. બેટ દ્વારકા પહોચ્યા બાદ અહીથી ત્રણ કિમીના અત્રે આ મંદિર આવેલું છે. આ સ્થાન પર મકર ધ્વજ સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. કહેવાય છે કે પહેલા મકરધ્વજની મૂર્તિ નાની હતી પરંતુ હવે બંને મૂર્તિઓની ઉંચાઈ સરખી થઈ ગઈ છે. આ મંદિર દાંડી હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. આવી માન્યતા છે કે અહી જે કોઈ  ભાવિક માનતા માને છે તે અવશ્ય પૂર્ણ થાય છે. અહી આવતા ભાવિકો કે માનતા પૂર્ણ થયાનો ભાવ ઉતારવા આવતા ભાવિકો દ્વારા અહી સોપારી ચડાવવામાં આવે છે.

મંદિરની અંદર પ્રવેશતા જ સામે હનુમાન પુત્ર મકરધ્વજની પ્રતિમા છે, જ્યારે નજીકમાં હનુમાનજીની પ્રતિમા પણ સ્થાપિત છે. આ બંને મૂર્તિઓની વિશેષતા એ છે કે તેમના હાથમાં કોઈ શસ્ત્ર નથી અને તેઓ આનંદિત મુદ્રામાં છે. આ મંદિર 500 વર્ષ જૂનું છે. આ ભારતનું પહેલું મંદિર છે જ્યાં હનુમાનજી અને મકરધ્વજ (પિતા-પુત્ર)નું મિલન બતાવવામાં આવ્યું છે.

ભગવાન શ્રી રામના પરમ ભક્ત અને ભગવાન શંકરના અગિયારમા રુદ્ર અવતાર ભગવાન હનુમાન બાળ બ્રહ્મચારી હતા.જ્યારે હનુમાનજી શ્રી રામ અને લક્ષ્મણને લેવા આવ્યા ત્યારે તેમનું મકરધ્વજ સાથે ભયંકર યુદ્ધ થયું. કેટલાક ધાર્મિક ગ્રંથોમાં, મકરધ્વજને હનુમાનજીના પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે, જેનો જન્મ હનુમાનજીના પરસેવાથી માછલીમાંથી થયો હતો.પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે હનુમાનજીના પુત્રનું વર્ણન પણ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. શાસ્ત્રોમાં હનુમાનજીના આ પુત્રનું નામ મકરધ્વજ જણાવવામાં આવ્યું છે.

હનુમાનજીના પુત્ર મકરધ્વજની ઉત્પત્તિ આ રીતે થઇ

ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે હનુમાનજી સીતાની શોધમાં લંકા પહોંચ્યા અને મેઘનાદના હાથે પકડાયા ત્યારે તેમને રાવણના દરબારમાં રજૂ કરવામાં આવ્યા. પછી રાવણે પોતાની પૂંછડીમાં આગ લગાડી અને હનુમાનજીએ પોતાની સળગતી પૂંછડીથી આખી લંકા બાળી નાખી. હનુમાનજી સળગતી પૂંછડીને કારણે સખત પીડામાં હતા, તેમને શાંત કરવા તેઓ સમુદ્રના પાણીથી તેમની પૂંછડીની અગ્નિ ઓલવવા આવ્યા.તે સમયે તેના પરસેવાનું એક ટીપું પાણીમાં ટપક્યું જે માછલીએ પીધું હતું. તે પરસેવાના ટીપાથી માછલી ગર્ભવતી થઈ અને તેને એક પુત્ર થયો, જેનું નામ “મકરધ્વજ” હતું.

પિતા-પુત્ર વચ્ચે ખેલાયું ભયંકર યુદ્ધ

મકરધ્વજ પણ હનુમાનજીની જેમ મહાન, પરાક્રમી અને તેજસ્વી હતા. મકરધ્વજને અહિરાવણ દ્વારા દ્વારપાળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે અહિરાવણ દેવી સમક્ષ બલિદાન આપવા માટે શ્રી રામ અને લક્ષ્મણને પાતાળ લોક લઇ ગયા હતા ત્યારે હનુમાન શ્રી રામ અને લક્ષ્મણને મુક્ત કરવા માટે પાતાળ લોકમાં પહોંચ્યા અને ત્યાં તેમની મુલાકાત મકરધ્વજ સાથે થઈ. તે પછી હનુમાનજી અને મકરધ્વજ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે હનુમાનજીએ તેમને હરાવીને પૂંછડીથી બાંધી દીધા. મકરધ્વજાએ હનુમાનજીને તેમની ઉત્પત્તિની વાર્તા સંભળાવી. હનુમાનજીએ અહિરાવણનો વધ કર્યો અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને મુક્ત કર્યા અને શ્રી રામે મકરધ્વજને અધિપતિ તરીકે નિયુક્ત કર્યા અને તેમને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી. તેમની યાદમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મકરધ્વજ અને હનુમાનજીનું આ પ્રથમ મંદિર ગુજરાતના બેટ દ્વારિકામાં આવેલું છે. આ સ્થળ મુખ્ય દ્વારકાથી ત્રણ કિલોમીટર અંદર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here