બરડા ટ્રીપલ મર્ડર મિસ્ટ્રી : શકદારની કબુલાત પણ પિક્ચર અભી બાકી હે…

0
2414

જામનગર : રાજયભરમાં ચકચારી બનેલા બરડા ડુંગર પરના ટ્રીપલ હત્યા પ્રકરણમાં શકદાર આરોપી ઘટનાના બીજા જ દિવસે એટલે કે ચાર દિવસ પૂર્વે જ પોલીસ હિરાસતમાં લઈ લીધો છે. પોલીસ સુત્રોનું માનવામાં આવે તો અન્ય આરોપીઓની સંડોવણી છે જ, પણ શકદાર આરોપી પોતાની એકની જ સંડોવણીનું હોવાનું રટણ કરતો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસને શંકા છે કે આ પ્રકરણમાં વન વિભાગના અન્ય કર્મચારીઓ અને સ્થાનિકોની સંડોવણી છે. હાલ પોલીસ શકદાર આરોપીના મોબાઈલને ગ્રાઉન્ડ ઝીરો બનાવી ડીટેઇલના આધારે તપાસ કરી રહી છે.


પોરબંદર વન વિભાગમાં ફોરેસ્ટગાર્ડ તરીકે બજાવતા હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કીર્તિભાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નાગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો ૧૫મી ઓગસ્ટના દિવસે લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી. પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દીવસથી તેમની શોધખોળ કરવામા આવી રહી હતી. તે દરમ્યાન સોમવારે કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી ત્રણેયના ૨૦૦-૨૦૦ મીટરના અંતરેથી મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેયની તિક્ષણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામા આવી હોવાનુ બહાર આવ્યુ હતું. મહીલા ફોરેસ્ટ ગાર્ડ હેતલ રાઠોડ ની લાશ પાણીના ઝરણા નજીકથી મળી આવી હતી, જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની લાશ ત્યાથી થોડે દુર ઝરણાંના વહેંમાંથી મળી આવી હતી લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સૌ પ્રથમ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરુ કરી, જેમાં ટેકનીકલ ટીમ દ્વારા ત્રણેય મૃતકના મોબાઈલ નમ્બરની કોલ ડીટેઇલ કાઢવામાં આવી હતી. જેમાં મહિલા વનકર્મીના મોબાઈલ પર અન્ય ગાર્ડએ વાતચીત કરી હોવાનું સામે આવ્યું હતું….જેને લઈને પોલીસે તાત્કાલિક જે શકદાર ગાર્ડને આંતરી લીધો હતો અને તે પોપટ બની ગયો હતો. પોલીસની અન્ય ટીમો અન્ય દિશામાં તપાસ ચલાવે તે પૂર્વે જ શક્દારે મહત્વની વિગતો ઓકી નાખતા પોરબંદર એલસીબીએ આ શકદાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગઈ કાલે આ જ શકદાર સામે મૃતક યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
સુત્રોનું માનવામાં આવે તો, શકદારની કબુલાત મુજબ, એકલા એ જ આ ત્રણેયને કુહાડીના ઘા મારી પતાવી દીધા છે એવી શકદારની કેફિયત છે. આટલી મોટી ઘટનાને એકલો શકદાર અંજામ આપી ન શકે એમ પોલીસને દ્રઢ શંકા છે. બીજી તરફ આરોપીની કોલ ડીટેઇલમાં ચોકાવનારા અને અન્ય દિશામાં તેમજ અન્ય આરોપીઓ હોવાની શંકા ઉપજાવે તેવા સંકેત મળ્યા છે. જેને લઈને પોલીસે શકદારની વધુ પૂછપરછ હાથ ધરી છે. અને કોલ ડીટેઇલમાંથી સામે આવેલ શંકાસ્પદ નંબરના કોલ તરફ પોલીસે નજર દોડાવી છે. પોલીસને પૂરે પૂરી આશંકા છે કે આ પ્રકરણમાં અન્ય આરોપીઓ સંડોવાયા છે. પોલીસ અન્ય શકદાર શખ્સોને એકાંતમાં બોલાવી પૂછપરછ કરી રહી હોવાની વિગતો સામે આવી છે. જેમાંથી મહત્વની કડીઓ મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. આવતી કાલ સુધીમાં ચકચારી બનાવમાં વધુ કડાકાભડાકા થવાની સંભાવના દેખાઈ રહી છે. આધારભૂત સુત્રોએ આપેલ વિગતો જો સાચી પુરવાર થાય તો આ પ્રકરણમાં પિક્ચર અભી બાકી હે જેવો તાગ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here