જામનગર : ‘ચૂંટણી પછી કાંતો તારે ઘોડી પર હાલવાનું થાશે કાંતો મારે’….કોંગ્રેસના દિગ્ગજ ગ્રામ્ય નેતાને ધમકી

0
1301

જામનગર : જેમ જેમ સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરમી ભળતી ચાલી છે. ગઈ કાલે જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય એવા નાથાભાઈ ગાગલીયાને લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યએ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી પૂર્વ સદસ્યને બદલે નાથાભાઈ અન્ય ઉમેદવારને સમર્થન કરતા હોવાની શંકાને લઈને ધમકી આપી હોવાનું જાહેર થયું છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પૈકીની જામનગર જિલ્લા પંચાયતમાં છેલ્લા અઢી દાયકાઓથી ચુંટાઇ પ્રતિનિધિત્વ કરતા નાથાભાઈ મેરામણભાઈ ગાગલિયાને ચૂંટણી સમયે લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પરબત ઉર્ફે કિશોર દેવશી વસરાએ ધમકી આપી હોવાની લાલપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી કોંગ્રેસ પાર્ટી તરફથી રીંજપર સીટ પર સદસ્ય તરીકે ચૂંટાયા હતા અને ફરી થી એ જ સીટ પર ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી ટીકીટ માંગી હતી. પરંતુ આરોપીને એવી શંકા હતી કે આ બેઠક પર નાથાભાઈ અન્ય ઉમેદવારને સમર્થન કરી રહ્યા છે. જેને લઈને આરોપીએ બે-ત્રણ દિવસ પૂર્વે ફોન કરી નાથાભાઈને ધમકી આપી હતી. ચૂંટણી પછી ઘોડી પર હાલતા કરી દેવા છે એમ કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.

આ બાબતે નાથાભાઈએ ચૂંટણી પૂર્વે જ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને લાલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રીંજપર બેઠક જીલ્લા પંચાયતની પીપરટોળા બેઠક નીચે આવે છે. જો કે નાથાભાઈ તો જીલ્લા પંચાયતની ભણગોર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. પોતાની સીટ નીચે આ બેઠક આવતી પણ ન હોવા છતાં આરોપીને એવું લાગ્યું હતું કે નાથાભાઈ પોતાનો હરીફ ઉભો કરી રહ્યા છે. જેને લઈને છ્યેક મહિના પૂર્વે જામનગર ખાતે નાથાભાઈના પેટ્રોલ પંપ પર આરોપી આવ્યો હતો અને ચૂંટણી લડવાની વાત પણ કરી ટીકીટ માટે ભલામણ કરવા કર્યું હતું. ત્યારે પણ નાથાભાઈએ કહ્યું હતું કે આ બેઠક મારા કાર્યક્ષેત્રમાં આવતી નથી. એટલે હું ભલામણ ન કરી શકું. જેને લઈને આરોપીને મનદુઃખ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here