ધ્રોલ: ચાર ગામને પાણી પૂરું પાડતી પાઇપ લાઈનમાં લીક થતા સર્જાઈ સમસ્યા, પછી તંત્રએ કોઠાસૂઝ વાપરી

0
432

જામનગર જિલ્લાના ગામોમાં પાણી પહોંચાડતી પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણી પુરવઠો ખોરવાયો હતો, જેથી સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા આ છેવાડાના ગામો પાણી વિહોણા ન રહે તે માટે પડકારજનક સ્થિતિમાં સરકારે સમયસર પાણી પહોંચાડવાનો પડકાર ઝીલી ત્વરિત કામગીરી કરી લોકલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જામનગરના ધ્રોલના ઉંડ-૧ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળના અમરાપુર, ખારાવેઢા, પીઠડીયા-૨ અને પીઠડીયા-૪ મળી આ ૪ ગામો ઉંડ-૧ ડેમની ઉપરવાસમાં વસેલા છે. આ ગામોને જોડતી પાઇપલાઇન નદીમાંથી પસાર થાય છે. જેના વચ્ચેના ભાગમાં તાજેતરમાં જ લીકેજ થતા આ ૪ ગામોના લોકોને પાણી પુરવઠો મળતો બંધ થયો હતો અને સરકાર સામે આ ગામોને સમયસર પાણી પહોચાડવાનો પડકાર ઉભો થયો હતો

નદીના ૩૦૦ મીટર પહોળા તેમજ ૭ મીટર ઊંડા પટમાં તૂટેલી આ લાઈનની તાત્કાલિક મરામત કરી પાણી પુરવઠો ફરી ચાલુ કરવો અત્યંત મુશ્કેલ હતો. જ્યાં સુધી હયાત પાઇપલાઇનની મરામત પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ૪ ગામોમાં પાણી પુરવઠો ચાલુ રાખવા માટે સરકાર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરી હંગામી એચ.ડી.પી.ઈ. કોઈલનો ઉપયોગ કરીને પાણી પુરવઠો ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાણીને નદી પાર પહોચાડવા માટે પાઇપલાઇન નાખવાનું કામ ખૂબ જ પડકારજનક હતું. ત્યારે આગવી સૂઝબૂઝથી કામ લઇ આ પાઇપલાઇનને પ્લાસ્ટીકના બેરલના સહારે નદી ઉપર તરતી રાખવાનું નક્કી કરવામાં આવ્યું. અંતરિયાળ અને નદી કાંઠાનો આ વિસ્તાર રેતાળ-માટીવાળો હોવાથી આ સ્થળ પર પહોંચવાના રસ્તાઓ પણ એટલા જ કાચા અને મુશ્કેલ ભર્યા હતા. વધુમાં આજુબાજુના કેટલાક કિલોમીટર સુધી મરામત માટેની સામગ્રી પણ મળવી મુશ્કેલ હતી. તેમ છતાં આ સ્થળ પર લોકસહયોગથી ત્યાં કામગીરી માટેની તમામ સાધન સામગ્રીનું તાત્કાલિક આયોજન કરી તૈયાર કરાઈ હતી.

મશીન અને માનવબળના સમાન સહયોગથી આ હંગામી પાઇપલાઇનને નદીના ભાગમાં ઉતારી તેને સામા કાંઠા સુધી ખેંચવા માટે બોટ તેમજ કુશળ તરવૈયાઓનો સહારો લેવામાં આવ્યો હતો. તરવૈયાઓની મદદથી પાઇપલાઇનને બેરલ સાથે બાંધીને સામેના કાંઠે પહોંચાડાઇ હતી. નદીના બંને કાંઠે મશીનો દ્વારા પાઈલાઈનને સામ-સામે ખેંચીને સીધી કર્યા બાદ ત્યાં તાત્કાલિક ઉભા કરાયેલા થાંભલા સાથે બાંધવામાં આવી હતી. ત્યારબાદ અગાઉથી જ તૈયાર કરાયેલા કોંક્રિટના બ્લોકને બોટમાં ઉતારી તેને ૮ થી ૧૦ મીટરના અંતરે પાઇપલાઈન સાથે બાંધીને એક પછી એક બેરલને છોડીને આ પાઇપલાઇન ને નદીમાં ડૂબાડવામાં આવી હતી અને આ કામગીરી પૂર્ણ થયા બાદ આ હંગામી પાઇપલાઇનના બંને છેડાઓને જોડીને તેમાં પાણી ભરી આ ૪ ગામોને ત્વરિત પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

આમ ખૂબ જ મુશ્કેલ જણાતી આ સમસ્યાને ટીમવર્ક અને ઉત્તમ આયોજનથી રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છેવાડાના આવા નાના ગામોમાં અચાનક આવી પડેલી પાણીની સમસ્યામાંથી તાત્કાલિક મુક્તિ આપી સરકારની નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here