UPDATES : જેટકો બિલ્ડીંગની દુર્ઘટનામાં એક મજુરનું મોત, કોન્ટ્રાક્ટરની બેદરકારીનું પરિણામ

0
613

જામનગર : જામનગરમાં સાત રસ્તા નજીક આવેલ જેટકોની જૂની અને અતિ જર્જરિત થઇ ગયેલ કચેરીને તોડવામાં કામ વખતે છતનું છજુ તૂટતા સર્જાયેલ દુર્ઘટનામાં ત્રણ મજુર પર કાટમાળ પડયો હતો અને ત્રણેયને ઈજાઓ પહોચતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ પૈકી ગંભીર રીતે ઘવાયેલ એક મજુરનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

શહેરની મધ્યમાં આવેલ સાત રસ્તા નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો) ની કચેરી લાંબા સમયથી  જર્જરિત અવસ્થામાં ઉભી હતી. આ કચેરીને રીપેર અથવા પાડતોડ માટે પણ અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું. જેને લઈને તંત્રએ આ ઓફીસનું બિલ્ડીંગ તોડી પાડવાનો નિર્ણય કરી કચેરીના અધિકારીઓની ઓફીસ અન્યત્ર સિફટ કરી હતી. ત્યારબાદ આ કચેરીના જર્જરિત બિલ્ડીંગને તોડી પાડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી હાથ ધરાયેલ આ પ્રક્રિયા આજે પણ સવારે મજુરો દ્વારા શરુ કરવામાં આવી હતી. દરમિયાન સવારે જ કચેરીના આગળના ભાગનું છજુ વીસેક ફૂટની ઊંચાઈ પરથી ધરાસાઈ થતા નીચે કામ પર આવેલ ત્રણ મજુરોને ઈજાઓ પહોચી હતી. જીવાભાઈ ડાયાભાઈ ખરા ઉવ ૪૫ રે નરમાણા, દેવાભાઈ ધાનાભાઈ ખરા ઉવ ૫૫ રે ચંગા, અને પબાભાઈ ભીખાભાઈ સાગઠીયા ઉવ ૪૫ નામના ત્રણેય  મજુર પર કાટમાળ પડતા દોડધામ મચી ગઈ હતી. જેને લઈને ૧૦૮ની ટીમને જાણ કરી ત્રણેય ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સવારે ઘટેલી ઘટના બાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ અને ગંભીર રીતે ઘવાયેલ દેવાભાઈ ખરાનું બપોર બાદ મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. જયારે અન્ય બે મજુરોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here