જામનગર : સરકારી તંત્રની બેદરકારીના કારણે ભૂતકાળમાં અનેક બનાવોમાં અનેક નિર્દોષ નાગરિકોના મૃત્યુ નીપજ્ય છે. ત્યારે વધુ એક સરકારી બેદરકારીના કારણે રાજકોટમાં બે આહીર યુવાનોના અરેરાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. આજે બપોરે આજી ડેમ ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજ પર દરરોજની જેમ વાહન વ્યવહાર ધબકતો હતો ત્યારે એકાએક ઓવરબ્રીઝની દીવાલ ધરાસાઈ થઇ નીચેના રોડ પર પડતા, આ રોડ પરથી બાઈક પર પસાર થતા બે યુવાનો દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી, માત્ર બે જ સેકન્ડમાં ઘટેલી આ ઘટનામાં બાઈક સવાર ભાવેશ ઉર્ફે ભૂપત નાથાભાઈ મિયાત્રા અને વિજય કરણાભાઈ વીરડાના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ અંગે મહાનગરપાલિકાએ નેશનલ હાઈવે ઓથોરોટી ઓફ ઇન્ડિયાની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. જો કે માત્ર ઝાપટાઓને કારણે દીવાલ ધરાસાઈ થઇ જતો હોય તો ધોધમાર વરસાદમાં બ્રીઝની કેવી હાલત થશે ? એ પ્રશ્ન અસ્થાને છે. બંને યુવાનોના પરિવારજનોએ ઘટના સ્થળ અને હોસ્પિટલ પહોચી આક્રંદ કરતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.