આજે પાકિસ્તાને અપાવી જુનાગઢની આરઝી હુકુમતની યાદ, આવી છે દાસ્તાન

0
744

જામનગર: પાકિસ્તાને ભારત સામે વધુ એક અવળ ચંડાઈ કરી છે. આ વખતે સૌરાષ્ટ્રને લઈને થઇ છે. આજે પાકિસ્તાન દ્વારા પોતાનો નકશો જાહેર કરવામાં આવ્યો છે જેમાં જુનાગઢ અને માણાવદરને પોતાના ભાગ તરીકે દર્શાવ્યા છે. પાકિસ્તાનની અવળ ચંડાઇએ જે તે સમયની આરઝી હુકુમત ચળવળની યાદ અપાવી દીધી છે. એ સમય કેવો હતો, કેમ જુનાગઢ અને માણાવદર પર ચડાઈ કરવી પડી ? આવો જાણીએ વિસ્તારથી…

સમય હતો આઝાદીકાળનો ભારત અને પાકિસ્તાનના ભાગલા નિશ્ચિત થઇ ગયા હતા. ૧૯૪૭માં ભારતતો આઝાદ ઘોષીત થઇ ગયું હતું, પણ હજુ ભારતમાંના કેટલાક રજવાડાઓ રાજા તથા નવાબોના હાથમાં હતા. આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા. આવા સમએ જુનાગઢમાં મહોબ્બતખાનનું સાશન હતું. જે તે સમયે આ રાજ્યના સેનાપતિ શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાનો ખ્યાલ નવાબ મહોબતખાનના દિમાગમાં ઠસાવી દીધો. જેને લઈને નવાબે દિલ્લી સરકારને જાણ કર્યા વગર જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કરી દીધું. જુનાગઢ ઉપરાંત માણાવદરના મુસ્લિમ શાસકે પણ પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવવાની તૈયારી દર્શાવી, જે કોઈ કાળે સ્વીકાર્ય ન હતું કારણ કે બંને સલ્તનત ભારતની વચ્ચે આવેલી હતી. જો બંને પાકિસ્તાનમાં ભળી જાય તો ભવિષ્યમાં ભારત માટે જોખમરૂપ સાબિત થઈ શકે, જેને લઈને જૂનાગઢના કેટલાક આગેવાનો પોતાના બળે નવાબી હકૂમતનો છેડો લાવવા મેદાનમાં આવ્યા અને આરઝી હકૂમત સ્થાપવાનું નક્કી કર્યું. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ કેટલાક લોકો મુંબઈમાં એકત્ર થયા હતા. આ મીટીંગનું નેતૃત્વ શામળદાસ ગાંધી તથા અમૃતલાલ શેઠે કર્યું હતું. ત્યાં આરઝી હકૂમતના પ્રધાન મંડળની રચના કરવામાં આવી. આરઝી હુકુમત હેઠળ એક દળની રચના થઇ અને જેનું વડુ મથક રાજકોટમાં નક્કી થયું, ત્યારબાદ આ આરઝી હુકુમતે પ્રથમ માણાવદર બાદ જુનાગઢ સર કર્યું, જો કે જુનાગઢ પહોચે તે પૂર્વે જ નવાબ જુનાગઢ છોડી ચાલ્યો ગયો, આરજી હુકુમતે જુનાગઢ કબજે કર્યું અને બંને સ્ટેટ ભારતમાં ભેળવ્યા હતા. આજે જયારે પાકિસ્તાને પોતાનો નકશો જાહેર કર્યો ત્યારે આ જુનાગઢ અને માણાવદર બંને પાકિસ્તાને પોતાનો ભાગ હોવાનું દર્શાવ્યું છે. જેને લઈને વિવાદ છેડાયો છે. હજુ કાશ્મીર મુદ્દો સોલ્વ થયો  નથી ત્યાં પાકિસ્તાને વધુ એક અવળ ચંડાઇ કરતા ભારતમાં રોષ ફેલાયો છે. પાકિસ્તાનની આ નાપાક હરકત સામે ગુજરાત સહીત દેશભરમાં રોષ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here