જામનગર : સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાના કારણે ફરી સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનો સમાવેશ થાય છે. જો આગાહી સાચી ઠરી તો જામનગર જીલ્લો તો ઠીક પણ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખરીફ પાકને વિપરીત અશર પડશે એવો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે.
છેલ્લા એક સપ્તાહથી જામનગર જીલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ દ્વારકાના ખંભાલીયા અને કલ્યાણપુર પંથકમાં તો વરસાદ ખમૈયા કરવાનું નામ જ નથી લેતો, આવા માહોલ વચ્ચે હવામાન ખાતાએ વધુ એક આગાહી કરી છે. સીસ્ટમમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, અમરેલી અને ભાવનગર તેમજ દાદરાનગર હવેલી, વલસાડ સહ્તના જિલ્લાઓમાં આગામી તા. ૫ થી આઠ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જયારે ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ રહેવાની આગાહી કરવામાં આવી છે.