રિલાયન્સના જનરલ મેનેજરના મકાનમાંથી માતબર ચોરી

0
5248

જામનગર નજીકના રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા જનરલ મેનેજરના બંધ મકાનને નિશાન બનાવી કોઈ તસ્કર સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત રૂપિયા છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાની મેઘપર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંધ મકાનના તાળા તોડી કોઈ ચોર રૂપિયા ૫,૯૧,૨૦૦ની કીમતના ૨૦ તોલા દાગીના, રૂપિયા ૭૫૦૦ની કીમતના ચાંદીના દાગીના તથા રોકડા રૂ. ૨૦,૦૦૦ અને રૂપિયા બે હજારની એક સ્માર્ટ વોચ મળી કુલ રૂ.૬,૧૬,૭૦૦ના મુદ્દામાલની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર નજીક ખંભાલીયા રોડ પર આવેલ વિશ્વ વિખ્યાત રીલાયન્સ કંપનીની સામેના ભાગે આવેલ ટાઉનશીપમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. જેની વિગત મુજબ, અહી ગ્રીન ટાઉનશીપ સેક્ટર ૧૬ બ્લોક નં ૩–બીમાં રહેતા પ્રફુલાબેન અશોકભાઈ રામજીભાઈ નકુમના ગત તા. ૧૦/૦૨/૨૦૨૨ના રાત્રે અગ્યાર વાગ્યાથી સવાર સુધીના સમયગાળા દરમિયાન બંધ રહેલ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રહેણાંક ઘરના મેઈન દરવાજાનો નકુચો તોડી બેડરૂમમાં પ્રવેશેલ તસ્કરોએ લોખંડના કબાટનો દરવાજા તથા લોક તોડી નાખી અંદરથી રૂપિયા ૫,૯૧,૨૦૦ની કીમતના ૨૦ તોલા દાગીના, રૂપિયા ૭૫૦૦ની કીમતના ચાંદીના દાગીના તથા રોકડા રૂ. ૨૦,૦૦૦ અને રૂપિયા બે હજારની એક સ્માર્ટ વોચ મળી કુલ રૂ.૬,૧૬,૭૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે ઉપર રહેતા પાડોશીને દરવાજા ખુલા જોતા બહાર ગામ રહેલ પ્રફુલાબેનને ફોન દ્વારા જાણ કરી હતી. જેને લઈને તેઓએ ટાઉનશીપ પહોચયા હતા. જ્યાં દરવાજો ખુલો અને તાળું ત્યાં જ પડ્યું નજરે પડ્યું હતું જયારે અંદરના બેડરૂમમાં વેરવિખેર સામાન જોતા ચોરી થયાનો અંદાજ લગાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને મેઘપર પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે કોઈ જાણભેદુ સખ્સો સામે શંકા ઉચ્ચારી વિધિવત તપાસ હાથ ધરી છે.

જીએમ કોરોના પોજીટીવ આવતા પત્ની સાથે જામનગરમાં છે ક્વોરેનટાઈન

રિલાયન્સ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રફુલાબેનના પતિ અશોકભાઈ તાજેતરમાં જ કોરોના પોજીટીવ આવ્યા છે. જેને લઈને તેઓ પત્ની સાથે જામનગરની એક ખાનગી હોટેલમાં ક્વોરેન્ટાઈન છે. રિલાયન્સ ટાઉનશીપથી જામનગર આવી ગયા બાદ કોઈ જાણભેદુ સખ્સોએ જ બંધ મકાનને નિશાન બનાવ્યું હોવાની પોલીસે દ્રઢ આશંકા સેવી છે. કંપનીમાં જીએમ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ મૂળ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. પુત્રી અને પુત્ર એમ ચાર સભ્યોનો આ પરિવાર અહી ચાર વર્ષથી રહેતો હોવાની વિગતો જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here