જામનગર તાલુકાના વંથલી ગામે રહેતો દરજી પરિવાર સબંધીના લગ્ન પ્રસંગમાં ગયા બાદ તેઓને ઘરને નિશાન બનાવી ખાબકેલા કોઈ તસ્કરો અંદરથી બે લાખની રોકડની ચોરી કરી ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. જાણભેદુ સખ્સોએ ખુલ્લા રહી ગયેલ પાછળના દરવાજામાંથી પ્રવેશ કરી રૂપિયા બે લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર નજીકના વંથલી ગામે ચોરીનો એક બનાવ પોલીસ દફતર સુધી પહોચ્યો છે જેની વિગત મુજબ, કલ્પેશભાઇ શશીકાન્તભાઇ ટંકારીયાના ગત તા.૮/૦૨/૨૦૨૨ના સાંજથી તા.૧૦/૦૨/૨૦૨૨ સુધી બંધ રહેલ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. કલ્પેશભાઈ પોતાના રહેણાક મકાનના મુખ્ય દરવાજે તાળુ મારી, પુત્ર અને પત્ની સાથે લગ્ન પ્રસંગમાં સહભાગી બનવા મેંદરડા ગયા હતા. ત્યારબાદ પાછળથી મકાનના પાછળના ખુલા રહી ગયેલ દરવાજાથી કોઈ જાણભેદુ સખ્સોએ પ્રવેશ કર્યો હતો અને મકાનના રૂમમાં રાખેલ લોખંડના કબાટનો દરવાજો કોઇ સાધન વડે બળ પુર્વક ખોલી, કબાટમાં બે અલગ-અલગ ડબ્બામાં રાખેલ કુલ રોકડ રૂ.૨,૦૫,૦૦૦ (બે લાખ પાચ હજાર)ની ચોરી કરી નાશી ગયા હતા. દરમિયાન ગઈ કાલે પડોશમાં દુકાન ધરાવતા વેપારીને દરવાજાને ખુલો જોતા કલ્પેશભાઈને ફોન કરી જાણ કરી હતી. દરમિયાન તેઓ પરિવાર સાથે પરત આવી ગયા હતા અને ઘરે તપાસ કરતા રૂપિયા બે લાખની રોકડ ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તેઓએ પંચકોશી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી.