જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામે એક ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યા બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આર્થિક સંકડામણથી ખેડૂતે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકથી ૨૫ કિમી દુર આવેલ પીઠડીયા ગામે રહેતા હસમુખભાઈ પ્રાગજીભાઈ વેકરીયા ઉવ ૫૦ નામના આધેડ ખેડૂતે ગત તા. ૭મીના રોજ પોતાની જાતે ગામના સ્મસાને પહોચી પોતાની જાતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાલુકા મથકે પ્રાથમિક સારવાર અપાયા બાદ પ્રૌઢ ખેડૂતને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. આ બનાવ અંગે તેના સબંધી ભરતકુમાર વેકરીયાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે હોસ્પિટલ પહોચી પીએમ વિધિ પાર પાડી હતી. આ બનાવ અંગે ભરતભાઈએ પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું જેમાં હસમુખભાઈ લાંબા સમયથી આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. જેને લઈને સતત ચિંતા વધી જતા તેઓએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.