દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૂળ ખેડા જીલ્લાના રહેવાશી અને હાલ ખંભાલીયા ખાતે એમઓબી શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ અંતિમ પગલું ભરી લેતા પોલીસવડા સહિતનો કાફલો પોલીસ રેસીડેન્ટ કવાટર દોડી ગયો હતો. મહિલા પોલીસકર્મીના અંતિમ પગલાને લઈને તેઓના માસુમ પુત્રએ માતાની હુંફ ગુમાવી છે.

સમગ્ર પોલીસબેડા સહીત હાલારમાં અરેરાટી ફેલાવનાર બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે પોલીસ વિભાગની એમઓબી શાખામાં ફરજ બજાવતા મીરાંબેન ચાવડા નામના મહિલા પોલીસકર્મીએ રામનગર વિસ્તારમાં આવેલ પોલીસ હેડક્વાટર ખાતેના પોતાના રહેણાંક મકાને ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી હતી. આ બનાવ ગઈ કાલે રાત્રે સામે આવતા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હેડક્વાટર પહોચ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, મૂળ ખેડા જીલ્લાની મહિલા પોલીસકર્મીની મીઠાપુર ખાતેની ફરજ દરમિયાન ત્યાના મિતેશ ભાયાણી નામના યુવાન સાથે સબંધ બંધાઈ જતા પ્રેમ લગ્ન કાર્ય હતા. ટૂંકા સંસારના ગાળા દરમિયાન તેઓને એક પુત્ર રૂપી સંતાન પણ પ્રાપ્ત થયું હતું. પરંતુ સમય જતા દંપતી વચ્ચે કોઈને કોઈ બાબતે ખટરાગ થતા રહેતા હતા. અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે તેના પતિની નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દંપતી વચ્ચેના કંકાસને કારણે તેણીએ આ પગલું ભરી લીધું છે કે અન્ય કારણોસર ? આ બાબતનો તાગ મેળવવા પોલીસ તપાસ હાથ ધરી છે. પ્રેમ લગ્ન કરી સંસાર શરુ કરનાર મહિલા પોલીસકર્મીએ વેલેન્ટાઇન દિવસના પૂર્વે જ આપઘાત કરી લીધો છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.