જમાદારે ભારે કરી, કેસ કાગળોની ઝેરોક્ષ કોપી માટે અઢી હજાર માંગી લીધા

0
1095

જામનગર અપડેટ્સ : સરકારી ખાતાઓમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય તો તે છે રેવન્યુ અને પોલીસ વિભાગ, દસમાંથી  આઠ એસીબીની ટ્રેપ બંને વિભાગોના સરકારી બાબુઓ પર પડતી હોય છે. ત્યારે વધુ એક વખત પોલીસ વિભાગ પર એસીબીની નજર સ્થિર થઇ છે. આ વખતે પીએસઆઈની ચેમ્બરમાં એક જમાદાર અઢી હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા છે. ફરિયાદી પાસેથી ઝેરોક્ષ કોપી પેટે રૂપિયા અઢી હજારની રકમ માંગી હોવાનું સામે આવ્યું છે.

ઘટના છે મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ દફતરની, અહી ફરિયાદી તથા તેમના પિતાજી વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટ નો જમીન મેટર બાબતનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં તેઓએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી બાકોર પોલીસ સ્ટેશનમાં અટક કરી જામીન આપી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુનાની તપાસના કામે ફરીયાદીને પોલીસ દફતરે બોલાવી હેડકોન્ટેબલ હીરાભાઈ પરમાભાઈ વણકરે હસ્તાક્ષરના તથા ફિંગરપ્રીન્ટના નમુના લેવા માટે અવારનવાર હેરાન પરેશાન કર્યા હતા. ત્યારબાદ તપાસના કાગળોની ઝેરોક્ષ  કઢાવવાના કાગળો લાવવાના બહાને  રૂપિયા ૨૫૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. મહીસાગર લુણાવાડાનો સંપર્ક કર્યો હતો. જેને લઈને એસીબીએ ગઈ કાલે બાકોર પોલીસ દફતરના સેકન્ડ પીએસઆઈની ચેમ્બરમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં જમાદાર ફરિયાદી પાસેથી રૂપિયા અઢી હજારની  લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here