જામનગર : દર વર્ષે ચોમાસામાં શહેર હોય કે ધોરી માર્ગ હોય, કે પછી હોય અંતરિયાળ ગામડાઓના રસ્તાઓ હોય, આ તમામ રસ્તાઓ વરસાદમાં ધોવાઇ જતા હોય છે. ત્યારે દર વર્ષે સરકારની સલાહથી તંત્ર અમુક રસ્તાઓ નવા બનાવે છે તો મોટા ભાગના રસ્તાઓ પર થીગડા મારવાનું કામ કરે છે. આ વર્ષે પણ રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઈને દરેક જીલ્લામાં ડામર રોડના હાલ બેહાલ થયા છે. ત્યારે ગત વર્ષનો એક કિસ્સો હાલ તાજો થયો છે.
અમદાવાદમાં ગત વર્ષે ચોમાસામાં સર્જાયેલ રસ્તાઓની સ્થિતિને લઈને ભાજપના જ નેતા આઈ કે જાડેજાએ જે તે સમયે રસ્તાની હાલતને લઈને ટ્વીટ કરી ધ્યાન દોર્યું હતું. જેને લઈને સરકારે તાત્કાલિક આ રસ્તો નવો નકોર બનાવી દીધો હતો. જે તે સમયે રાજ્યભરમાથી એક એવો સંદેશ પ્રબળ બન્યો હતો કે જાડેજા પણ અમારા ગામમાં આવે અને રસ્તા બની જાય, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદમાં સનાથલ ચોકડીથી બોપલ બ્રિજ તરફ જતા રિંગ રોડ નવો તો બની ગયો પણ એક જ વર્ષમાં આ રોડના છોતરા નીકળી ગયા છે. આ રસ્તા પર ઠેક ઠેકાણે મસમોટા ગાબડાં પડી ગયા છે. જાણે આવા રસ્તે વાહન ચલાવશો તો હાડકા ભાંગવાનું નક્કી છે એમ હાલ વાહન ચાલકો અનુભૂતિ કરી રહ્યા છે.
શેઠની શિખામણ જાપા સુધી એમ ન કહેતા આ રોડ પર કોન્ટ્રાકટર દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય એમ સ્થાનિક લોકોનું માનવું છે. સરકાર જે કામ કરે તેની પાછળ બાંધકામ કરનાર પાર્ટી પાસે જ ગેરેંટી પણ લેતી હોય છે પણ કેમ જાણે કેમ આવા વ્યવસાયિકો સામે કડક કાર્યવાહી કરતા ખંચકાટ અનુભવાય છે ?