દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીની જુબાની, હાકલ કરોને હાજર

0
1719

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં ૭૮ જામનગર (ઉત્તર) બેઠકના ઉમેદવાર રિવાબા જાડેજા તથા ૭૯ જામનગર (દક્ષિણ) બેઠકના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીના પ્રચારાર્થે ઓશવાળ સેન્ટરમાં જંગી જાહેરસભા યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો પૈકીના ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા તેમજ રાજસ્થાનના સાંસદ નરેન્દ્રસિંહ, મધ્યપ્રદેશના મંત્રી ઓમપ્રકાશ સાખલેચાએ તેમની આગવી શૈલીમાં ચોટદાર પ્રવચન  કરી ઉપસ્થિત જનમેદનીને ભાજપને ગુજરાતમાં પૂર્ણ સત્તાનું સુકાન સોંપવા અને જામનગરના બન્ને યુવા ઉમેદવારોને જંગી બહુમતીથી  વિજેતા બનાવવાવ હાકલ કરી હતી. ભારતને વિશ્વગુરુ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અભિયાનને સહયોગ આપવાનો આ અવસર હોવાનું પણ વક્તાઓએ જણાવ્યુું હતું.

આ જાહેર સભાના કાર્યક્રમમાં જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઈ સોલંકી, ૭૮- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, અને ૭૯-વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિડોચા, શહેર ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ, પવનહંસ ના ડાયરેક્ટર પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, દક્ષિણ વિધાનસભા વિસ્તારના પ્રભારી ચંદ્રેશભાઇ હેરમાં, ઉપરાંત સુશીલકુમાર મિશ્રા, રાકેશ શર્મા, રીટાબેન શાસ્ત્રી,  પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ નંદા, ૭૯-વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, અને ૭૮- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રીવાબા જાડેજા અને દેવપ્રસાદ ત્રિપાઠી મંચાસિન થયા હતા.

સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા એ સૌનું સ્વાગત કર્યું હતું, અને ભારતીય જનતા પાર્ટીના તમામ કેન્દ્રીય સ્ટાર પ્રચારકોને આવકારવામાં આવ્યા હતા. જામનગરના ઓશવાળ સેન્ટરમાં બંને ઉમેદવારોના પ્રચાર અર્થે યોજાયેલી જંગી જાહેરસભાને સંબોધતા દેવપ્રસાદ ત્રિપાઠી એ જણાવ્યું હતું, કે ૧૯૪૭ ની આઝાદી વખતે ગુજરાતનુ યોગદાન રહ્યું છે. આ ગાંધી સરદારનું ગુજરાત છે, આઝાદીનુ આંદોલન એટલું તેજ થયું, કે આખરે આઝાદી મળી. હવે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે તેમાટે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું યોગદાન છે. આ ગુજરાત ી ચૂંટણી નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુંટણી છે. ભારતનો વિકાસ કરવો હોય તો મોદીજીને મજબૂત કરવા જોઈશે. આ ચૂંટણી એ મહાપર્વ છે. ત્યારે ૧૯૪૭માં ભારતને આઝાદી અપાવવામાં ગુજરાતનો ફાળો છે. તેમ ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનમાં મોદીજીને સાથ આપવા માટે તમારું યોગદાન આપો માટે ‘પહેલાં મતદાન પછી જલપાન’ નો નારો આપ્યો હતો.

ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને ૭૮-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ મંચ પરથી ભારતીય જનતા પાર્ટીના ૭૮- વિધાનસભા તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના બન્ને ઉમેદવારો ને શુભેચ્છા આપી, અને બન્ને જંગી બહુમતીથી જીતશે, એવો વિશ્વાસ અપાવ્યો હતો. રાજસ્થાન થી પધારેલા સાંસદ નરેન્દ્રસિંહજીએ પોતા ની આગવી છટા સાથે ઉદબોધન કરીને ગત ચૂંટણી કરતાં વધુ બહુમતી થી બન્ને ઉમેદવારો જીતે તેવો પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રમોદી દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય, ઈમાનદાર વ્યક્તિ છે. આખું વિશ્વ જેને માને છે. તેમને આપણે સાથ દેવો જ જોઈએ. ગુજરાતની ચૂંટણી પર પૂરાં વિશ્વની નજર છે, ત્યારે મોદીજીના સપના પૂરા કરવા ગુજરાતની જીત અત્યંત જરૂરી છે.

જામનગર ના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીએ પોતાની આગવી શૈલીમાં પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું, કે જામનગરમાં ત્રિપલ એન્જિન ની સરકાર છે. જામનગરમાં વિકાસના કાર્યો ઘણા થયા છે. અને હજુ પણ કરવાના છે. જામનગરમાં ગમે ત્યારે મને ‘હાકલ કરો, અને હાજર’ એ કમિટમેન્ટ જામનગરની જનતાને આપું છું. જામનગરના બંને ઉમેદવારો માટે યોજાયેલી જાહેરસભાના મુખ્ય અતિથિ ઉત્તરપ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશભાઈ શર્મા, કે જેમણે રિવાબા જાડેજાને સુષ્મા સ્વરાજ સાથે સરખાવ્યા હતા, અને એક બોલમાં કોંગ્રેસ અને આપ બન્ને ને કલિન બોલ્ડ કરી નાખશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજા ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને એક કર્મનિષ્ઠ વ્યક્તિ કહ્યા હતા. ગુજરાત એ અલગ પ્રકારની ધરતી છે, મને ગુજરાત પ્રત્યે વિશેષ લગાવ છે. આ ચૂંટણીમાં જામનગર જિલ્લાની પાંચ અને દેવભૂમિ દ્વારકા ની બે સહિત સાતે-સાત સીટ જીતાડવાની છે. માત્ર મોદીજીના નામ પર, તેમના કામ પર સાતેય બેઠકો જીતી શકાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં મોદીની આંધી, તૂફાન ચાલે છે, તેમાં બધા પક્ષો નો સફાયો થઈ જશે. ભારતમાં ૨૦૨૪ માં નરેન્દ્રભાઈ મોદીને જીતાડવા હોય તો આ ચૂંટણી જીતવી જરુરી જ છે. સરદાર પટેલ પછી ભારતનું ગૌરવ વધારનાર કોઈ હોય તો તે વડાપ્રધાન મોદી જ છે.

ગુજરાતમાં જૂના સમય જેવી પાણીની સમસ્યાનો, રોડ રસ્તાની સમસ્યા, ગુંડાતત્વો દ્વારા તોફાન થતા નથી અને હાલ શાંતિ છે અને સુરક્ષિત છે. આપણે જ્ઞાતિ-જાતિનો વિવાદ કર્યા વગર ભારતીયો છીએ એ યાદ રાખીને મોદીજીને સમર્થન કરવાનું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના શહેર મહામંત્રી અને બન્ને બેઠકની ચૂંટણીના મુખ્ય વ્યવસ્થાપક મેરામણભાઈ ભાટુએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here