જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ઇન્દિરા કોલોનીમાં રહેતા એક પરિવારના ઘરે વહેલી સવારે ત્રણ શખ્સોએ સોનાના દાગીના અને રોકડની લુંટ ચલાવ્યાની વહેતી થયેલી ચર્ચાઓ વચ્ચે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ બનાવ લુંટનો છે કે પછી ચોરીનો છે? કે પછી ઉપજાવી કાઢેલો છે ? તે અંગે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

જામનગરમાં છેલ્લા પખવાડીયાથી ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે આજે વહેલી સવારે વધુ એક વખત પોલીસ દોડતી થઇ છે. શહેરના સીટી બી ડિવિઝન પોલીસ દફતર હસ્તક આવેલા નવાગામ ઘેડ વિસ્તારમાં ઇન્દિરા કોલોનીમાં રહેતા એક આહિર પરિવારના ઘરે ખાબકેલા ત્રણ શખ્સોએ સોનાના દાગીના અને રોકડ રૂપિયા સહિતની મત્તાની લુંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાના પગલે એલસીબી પી.એસ.આઇ ગોહિલ સહિતનો સ્ટાફ તેમજ સીટી બી ડિવિઝન પી.આઇ. કે.જે.ભોયે સહિતનો સ્ટાફ તાત્કાલિ ઘટના સ્થળે દોડી ગયા હતા. વહેતી થયેલી ચર્ચા મુજબ ત્રણ શખ્સો 11 તોલા સોનુ અને 30 હજારની રોકડ લુંટી નાશી ગયા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પીઆઇ ભોયેના જણાવ્યા અનુસાર ભોગગ્રસ્ત પરિવારજનોના નિવેદનોમાં વિરોધાભાષ સામે આવ્યો છે. જો કે, ચોરી અને લુંટ અંગે પણ વિસંગતતાઓ સામે આવી રહી છે ત્યારે બપોર બાદ આ ઘટના પરથી પરદો ઉચકાવવાની શક્યતાઓ છે. એલસીબી પોલીસ દ્વારા પણ આ બનાવને લઇને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે.