રૌદ્ર રવિવાર : જામનગરમાં સાડા સાત અને લાલપુરમાં ચાર ઇંચ વરસાદ, જિલ્લો તરબતર

0
868

જામનગર : છેલ્લા બાર કલાકનાં ગાળામાં સાંબેલાધાર વરસાદ વરસતા પાણી પાણી થઇ ગયું છે. સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીના ૧૪ કલાકના ગાળામાં શહેરમાં સાડા પાંચ ઇચં વરસાદ નોંધાયો છે. જયારે અન્ય તાલુકાઓમાં એક થી બે ઇંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં તો બે થી છ ઇંચ વરસાદ પડી ગયાના બિન સતાવાર અહેવાલ મળ્યા છે.

જામનગર શહેરમાં આજે મેઘરાજાએ મહેર વરસાવી છે, જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સવારના છ વાગ્યાથી  રાત્રીના આઠ વાગ્યા સુધીના ૧૪ કલાકના ગાળામાં ૧૮૩ મીમી એટલેકે સાડા સાત ઇંચ વરસાદ પડી જતા પાણી પાણી થઇ ગયું છે. શહેરના નીચાણ વાળા વિસ્તારો જેવા કે બેડી ગેઇટ, ચર્ચ ગેઇટ અને જયશ્રી ટોકીઝ, નવાગામ ઘેડ, ભીમવાસ અને કાલાવડ નાકા બહારના મોટા ભાગના વિસ્તારો તેમજ ગુલાબનગર ઓવર બ્રીજ આજુબાજુ અને હાપા-મોહન નગરમાં પાણી ભરાયા હતા. જયારે નાગમતી નદી બે કાઠે થઇ ઉપરવાસમાં ફેલાઈ જતા વિક્ટોરિયા પુર પાસેના સમસાનમાં પાણી ભરાઈ ગયા હતા. જયારે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગુરુદ્વારા આજુબાજુ પણ પાણી ભરાયા હતા.

જયારે શહેરની મધ્યેના બન્ને તળાવ છ્લાકાઈને રસ્તા પર આવી જતા બંને તરફે બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જયારે તાલુકામાં આવેલ નવા નાગના વાળા પુર પરથી પુર ફરી વળતા બંને તરફનો માર્ગ બંધ થયો હતો. જયારે દરેડ ગામેથી રંગમતી નદી બે કાઠે થતા રણજીત સાગરને જોડતા માર્ગ પર બે ફૂટ ઉપરથી ઘસમસતા પુર પસાર થતા માર્ગ બંધ થયો હતો. જયારે તાલુકામાં સાર્વત્રિક વરસાદના પગલે રણજીત સાગર અને સસોઈ ડેમ ફરી ઓવર ફલો થઇ ગયો હતો.

બીજી તરફ જીલ્લામાં જામજોધપુર તાલુકા મથકે દિવસ દરમિયાન બે ઇંચ અને કાલાવડમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો .પરંતુ બંને તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં બે થી પાંચ ઇંચ વરસાદ પડી જતા બંને તાલુકાના મોટાભાગના ડેમ ફરી છલકાઈ ગયા હતા. જયારે ધ્રોલમાં દોઢ ઇંચ વરસાદથી પણ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જયારે લાલપુરમાં ચાર ઇંચ પાણી પડી ગયું હોવાના સતાવાર અહેવાલ છે, ચાર ઇંચ વરસાદથી ફલકુ નદી બેકાઠે આવતા પોરબંદર તરફનો સંપર્ક વિખેરાયો હતો. આ બન્ને તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા અમુક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. જયારે જોડિયા પંથકમાં પણ બે ઇંચ વરસાદ પડ્યો છે. જેને લઈને તાલુકા મથકમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આજે જીલ્લાના ઊંડ એક અને ચાર તેમજ કંકાવટી, સસોઈ, રણજીત સાગર, સહિતના ૧૬ ડેમ ફરી વખત ઓવર ફલો થયા છે.

હજુ પણ આવતી કાલ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આવતી કાલનો દિવસ શહેર જીલ્લામાંટે મુસીબત બનીને આવે તેવા સંજોગો સર્જાયા છે. બીજી તરફ સરકારે જીલ્લા માટે વધુ એક એનડીઆરએફની ટીમ ફાળવી આપાત કાલીન સ્થિતિને પહોચી સકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here