જામનગર : શનિવારે રાત્રે જામનગર ખાતે શહેર-જીલ્લા ભાજપાનું સ્નેહ મિલન યોજાયું હતું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાની નીચે યોજાયેલ આ સ્નેહ મિલનમાં પાટીલે કાર્યકરોને જ પાર્ટીના સેનાપતિ ગણાવી નવું જોમ ભર્યું હતું. તમે જ ચૂંટીને સતા પર બેસાડેલ પ્રતિનિધિઓ-મંત્રીઓને હવા ભરાઈ જાય અને કામ ન કરે તો આપણે તેની હવા નાખશું અને ગાંધીનગર જાવ ત્યારે મંત્રીઓ આદર ન આપે તો મને કહેજો, એનો રસ્તો કાઢીશું એમ કહી ભાજપામાં નેતા-મંત્રી નહિ પણ કાર્યકરો દ્વારા તમામ ચૂટણીઓ જીતાય છે એટલે કોઈ પ્રજાનો પ્રતિનિધિ હવા ન રાખે એમ હસતા-હસતા પણ ઘણું બધું કહી દીધુ હતું. પાટીલના ઉદબોધન સમયે સ્ટેજ પર બે વર્તમાન મંત્રીઓ અને ત્રણ માજી મંત્રીઓની હાજરી હતી.
પાર્ટીમાં કાર્યકરોનું શું મહત્વત છે એમ જણાવતા પાટીલે ઉદાહરણ દ્વારા છણાવટ કરી કહ્યું કે, સાયકલમાં હવા ન હોય ત્યારે વાવાઝોડું કામ નથી લાગતું ત્યારે તો એક નાનો પંપ જ કામ લાગે છે. એટલે કે કોઈ આપણા નેતાને ચૂંટણી જીતવી હોય ત્યારે પક્ષમાં નાનો કાર્યકર દ્વારા જ જીતાય છે. પેજ કમિટીને જ પાટીલે વધુ એક વખત આદર્શ ગણાવી, કાર્યકરોને કહ્યું હતું કે જીતના ગણિત ગણવાને બદલે પેજની યાદી મુજબ બપોર સુધીમાં સો ટકા મતદાન કરાવી નાખો તો કોઈ તમારો હરીફ જ નથી એમ હું તમને ખાતરી આપું છે. ચૂંટણી જીતી જાય પછી જનપ્રતીધિઓને હવા આવી જાય છે એમ કહી તેઓએ કાર્યકરો તમારા કામ કરે છે કે કેમ ? એમ સીધું જ પૂછી નાખ્યું હતું. તમે ગભરાવ નહિ ખુલીને બોલો તો મને કોઈ નિર્ણય લેવાની ખબર પડે એમ ઉમેર્યું હતું. કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી બ્રીજેસ મેરજા તરફ નજર કરી પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે જો કોઈ જનપ્રતિનિધિ-મંત્રી કાર્યકરોને જવાબ નહિ આપે કે કામ નહિ કરે તો મને કેજો, આપણે તેની હવા કાઢી નાખીશું એમ ચોખ્ખું કહી દેતા સભામાં હાજર ભાજપા કાર્યકરોનું વિજય હાસ્ય નીકળી બહાર આવ્યું હતું. જયારે સ્ટેજ પર હાજર મંત્રીઓ અને નેતાઓને પરસેવો છૂટી ગયો હતો. પરંતુ તમાચો ગાલ રાખીને પણ મંત્રીઓ અને જન પ્રતિનિધિઓ કાર્યકરોની સાથે હાસ્યમાં જોડાયા હતા.
તાજેતરની પંચાયતી રાજ્યની ચૂંટણીઓના પરિણામોને લઇ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. નેતાઓ-જનપ્રતિનિધિઓ અને મંત્રીઓ-પ્રમુખો આવતા જતા રહેશે પણ કાર્યકર હમેશા કાર્યકર રહેશે એમ કહી કાર્યકરનું ભાજપમાં કેટલું મહત્વ છે એમ જણાવી આગામી વિધાનસભા માટે કોઈ જાતી-પાતી, ગમતા-ન ગમતા ઉમેદવારમાં ન પડવા, ઉમેદવારની પસંદગીને લઈને અસતોષ ન રાખવા અને ભવિષ્યને ધ્યાને રાખી પાર્ટીને નવું નેતૃત્વ આપવા નિર્ણયો લઇ પસંદ કરેલ ઉમેદવારને જીતાડવા યોગદાન આપવાની અપીલ કરી હતી