Special Ops: લોઠીયાથી લંડન, જયેશની લાગલગાટ સફર, પ્રથમથી અંતિમ ગુના સુધીની મેરેથોન દોડ

0
1262

જામનગર : જામનગર શહેર-જીલ્લામાં એક પછી એક ગુનાઓને અંજામ આપી સુવ્યવસ્થિત (ઓર્ગેનાઈઝડ) ક્રાઈમની દુનિયામાં ડૂબી ગયેલ કુખ્યાત જયેશ પટેલ કોણ છે ? જામનગર નજીકના નાના એવા લોઠીયા ગામમાં જન્મેલ જયેશ લંડનથી પકડાયો છે. ત્યારે લોઠીયાથી લંડન સુધીની કેવી છે જયેશની ક્રાઈમ કુંડળી, આવો એક નજર કરીએ,

જામનગર તાલુકાના લોઠીયા ગામે મુળજીભાઈ રાણપરીયાના ઘરે તા. ૧૮/૮/૧૯૭૯ના રોજ જયેશનો જન્મ થયો હતો. જન્મ સમયે પિતાની પરિસ્થિતિ સામાન્ય હતી. ટૂંકી ખેતી ધરાવતા પટેલ પરિવારમાં જન્મેલ જયેશે પ્રાથમિક શિક્ષણ લોઠીયા ગામે લીધું હતું. ભણવામાં પ્રથમથી જ મન ન લાગતા આખરે જયેશે  જામનગરની વાટ પકડી હતી. વર્ષ ૧૯૯૮માં સરાફતથી મજુરી કામ કરવાની શરૂઆત કરી, જામનગર આવી સૌ પ્રથમ જયેશ હવાઈ ચોક ખાતે આવેલ પ્રિન્સ નામની કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે જોડાયો હતો. જામનગરમાં એ દુકાન તેની કારકિર્દીની શરૂઆત ગણાવી શકાય, આવી જ નોકરી માટે તે જામનગર છોડી મુંબઈના ખાર વિસ્તાર પહોચ્યો હતો. જ્યાં રામસાગર નામની કાપડની દુકાનમાં પણ કામ કર્યું હતું. જો કે આ નોકરીમાં મન નહિ લાગતા ફરી જામનગર આવી ગયો હતો. રામેશ્વરનગરમાં રહેતા જયેશને નોકરીથી કાઈ નહિ વળે ખુદનો ધંધો એ જ રાજા એમ માની પોતાના ધંધા તરફ નજર દોડાવી હતી.જયેશને તો બસ માલામાલ થવું હતું. એક દિવસ ખુબ રૂપિયા કમાઈ નામ કમાવવું હતું. મોટી મહત્વાકાંક્ષા સાથે જયેશે પોતાના ધંધા તરફ જુકાવ્યુ, શરૂઆતમાં એસટીડી પીસીઓ શરુ કરી વ્હાઈટ ધંધો શરુ કર્યો, પરંતુ ફોનના ચક્કર ઘુમાવી ઘુમાવી રૂપિયા વાળું નહિ બની શકાય એવો અણસાર આવી જતા જયેશે ગેસ પાઈપ લાઈનની એજન્સીમાં ઝંપલાવ્યું હતું. આ ધંધામાં પણ બરકત નહિ થતા જયેશે તેલ અને ચોખાના હોલસેલ  ધંધામાં હાથ અજમાવ્યો, આ આ ધંધામાં બહુ  પ્રગતિ ન થઇ પરંતુ શોર્ટ કટથી કેમ માલ બની શકાશે એ જયેશને સમજાઈ ગયું હતું. જો કે હોલસેલ વેપાર પણ લાંબો સમય ન ચાલતા આખરે જયસુખે ઉદ્યોગ નગરમાં “સૂર્યોદય’  નામેથી બ્રાસનું કારખાનું ઉભું કર્યું હતું. બહુ ટૂંકા ગાળામાં ચાર-પાંચ ધંધા બદલી નાખી જયેશે શહેરના અનેક નામી અનામી સખ્સો સામે સબંધ કેળવી લીધા હતા.

વર્ષ ૨૦૦૬માં ‘પટેલ સો-મિલ ચાલુ કરી તેની સાથે સાથે પટેલ ટ્રેડીંગ નામથી  ઓફીસ ખોલી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો નવો વ્યવસાય ચાલુ કર્યો હતો. આ ધંધામાં જયેશ ને સારી એવી ફાવટ આવી જતા ઓફીસ વિસ્તાર અમદાવાદ સુધી પહોચ્યો હતો. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં જીમખાના રોડ પર સોબો સેન્ટરમાં ‘પમ્પોઝ એનીમેશનના નામથી  રીયલ ચિત્રમાંથી આર્ટીફીશયલ ચિત્ર બનાવવાનો નવો વ્યવસાય પણ સહ્રું કર્યો હોવાની વિગતો સામે આવી છે.

જયેશની ગુન્હાહિત જીવનની શરુઆત થઇ હતી વર્ષ ૧૯૯૯થી, શહેરના જ બ્રાસ ઉદ્યોગમાં પ્રથમ છેતરપીંડી આચરી પોલીસ દફતરે હાજરી પુરાવી હતી, ત્યારબાદ બીજા જ વર્ષે એટલે કે વર્ષ ૨૦૦૦માં મોટર સાયકલ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ જ વર્ષે રાજકોટ શહેરમાં ચીટીંગ કરી એક મોટરસાયકલ પચાવી પાડ્યું હતું. વર્ષ ૨૦૦૪માં કોટડાસાંગાણી ખાતે જયેશ સામે ચીટીંગનો વધુ એક ગુનો નોંધાયો હતો. આ છેતરપીંડી બાદ જયેશ સામે જામનગરમાં વર્ષ ૨૦૦૬માં આંગડીયા ચીટીંગ સહિત દોઢ વર્ષમાં છેતરપીંડીની ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણ બાદ વર્ષ ૨૦૦૮માં જામનગરમાં પ્લોટ પચાવી પાડવા માટે મારીમારી સબંધિત પણ ફરિયાદ દાખલ થઇ હતી. હવે જયેશને પોલીસ દફતર આવન જાવન વધી જતા અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે નજદીકિયા બની હતી. સતત વધતા જતા ગુન્હા બાદ જયેશની નજર જમીન કૌભાંડ તરફ વળી હતી. વર્ષ ૨૦૧૦માં શહેરના ગ્રીન સીટી અને રણજીત સાગર રોડ પરથી  જમીન પચાવી પાડવા માટે અપહરણ, ધાક-ધમકી સહિતની ત્રણ ફરિયાદો દાખલ થઇ હતી. આ ઉપરાંત જામનગર તાલુકાના ચંગા ગામે જમીન પ્રકરણમાં હત્યા નીપજાવવા સહીતના સંગીન આરોપો સાથે જયેશ સામે ફરિયાદ થઇ હતી. આ ઉપરાંત લાલપુર તાલુકાના ધોરીવાવમાં બોગસ દસ્તાવેજ બનાવી જયેશ સામે જમીન પચાવી પાડવાના પ્રયાસ સબંધિત ગુનો નોંધાયો હતો.

વર્ષ ૨૦૧૧માં જયેશ સામે જમીન પ્રકરણના ચાર ગુનાઓ નોંધાયા હતા. જેમાં બનાવટી દસ્તાવેજને આધારે જમીન પચાવી પાડવા સબબ જામનગર અને લાલપુર પોલીસમાં ચાર ફરિયાદ દાખલ થઇ હતી. આ ઉપરાંત આ જ વર્ષે મારામારી અને હત્યા પ્રયાસ સબંધિત એક ફરિયાદ પણ જયેશ સામે નોંધાઈ હતી.

વર્ષ ૨૦૧૪માં ગાંધીનગર ખાતેના સેક્ટર સાતમાં અને વર્ષ ૨૦૧૫માં અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ખોટા ડોકયુમેન્ટ તૈયાર કરી જમીન પચાવી પાડવાની બે ફરિયાદો નોંધાઈ હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫માં જ જયેશે ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે મારામારી કરી મોબાઈલની લુંટ ચલાવી ખોટા ડોક્યુંમેન્ટ બનાવી બે ગુન્હાઓ આચર્યા હતા.

વર્ષ ૨૦૧૬માં જામનગર શહેરમાં ત્રણ જમીન કૌભાંડ આચરવા સબબ જુદી જુદી ફરિયાદો નોંધાઈ હતી. આ જ વર્ષે જામનગરમાંથી મોબાઈલની લુંટનો પણ એક ગુનો દાખલ થયો હતો. આ જ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૬માં જયેશ અને તેની ટોળકી સામે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા માટે ખોટા ડોક્યુંમેન્ટ ઉભા કરવા સબબનો એક ગુનો નોંધાયો છે.

 વર્ષ ૨૦૧૭માં કસ્ટડી દરમિયાન જાપ્તામાંથી નાશી જવાના પ્રયાસ અને ગેર કાયદે સગવડ પૂરી પાડવા સબબની બે જુદી જુદી ફરિયાદ પણ નોંધાઈ હતી. જયારે આ જ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૭માં મુંબઈ ખાતેથી ખોટા પાસપોર્ટ સાથે વિદેશ ભાગી જવાની વેતરણ કરતા જયેશ પટેલ પકડાઈ ગયો હતો.

એક પછી એક જમીન કૌભાંડ આચરી જયેશ વર્ષ ૨૦૧૮ સુધીમાં તો માલામાલ બની ગયો હતો. પોલીસ પણ માનવા લાગી હતી કે તે પોલીસ કરતા એક ડગલું આગળ જ રહે છે. જામનગરના જ ઈવા પાર્કના ૧૦૦ કરોડના જમીન કૌભાંડમાં જયેશને સૌથી વધુ મુશ્કેલી ભોગવવી પડી હતી. જેમાં જમીન પર છુટકારો મેળવવા છેક સુપ્રીમ સુધી લાંબુ થવું પડ્યું હતું. જેને લઈને વકીલ કિરીટ જોશી સાથે રાગદ્વેષ થયો હતો. અંતે જયેશ પટેલે ઈવા પાર્ક વાળા પ્રકરણમાં જામીન પર છૂટી ભાડુતી માણસો રોકી વકીલ કિરીટ જોશીની  હત્યા નીપજાવી હતી. આ જ વર્ષે વકીલ હત્યા પ્રકરણમાં સાક્ષી બનેલ હસુ પેઢડીયાને ધમકી પણ આપી હતી. જેની એ ડીવીજનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ઉપરાંત ભૂગર્ભમાં રહીને જયેશે ગુનાખોરીને વિસ્તારી હતી. હવે જયેશ ઓર્ગેનાઈજ્ઝ ક્રાઈમ તરફ આગળ વધ્યો હતો જેમાં શહેરના વ્હાઈટ કોલર અને ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા સખ્સો એમ બે પ્રકારની ગેંગ ઉભી કરી હતી. જેમાં વાંધા વાળી જમીનની વિગતો, માલદાર વેપારીઓની માહિતી, ધાક ધમકી  આપવી અને ખંડણી ઉઘરાવવી શરુ કરી હતી. આ વ્યવસ્થિત ક્રાઈમમાં વર્ષ ૨૦૧૯માં જામનગરમાં અલગ અલગ ચાર જમીન કૌભાંડ પણ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ  છે. આ ઉપરાંત જમીન-મકાનના દલાલ પર ફાયરીંગ અને બીટ કોઈન પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલ જામનગરની નિશા ગોંડલિયા પર ફાયરીંગ પણ કરાવવાનો આરોપ છે. અ જ વર્ષે ખંભાલીયામાં એક જમીન કૌભાંડ અને ખંભાલીયા  નજીક ફાયરીંગ કરાવવાનો  પણ ગુનો  નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૦ના જુલાઈ માસમાં જામનગરમાં બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરીંગ કરાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો.

સતત વધતી  જતી ગુનાખોરીને ડામવા માટે સરકારે ઓપરેશન જયેશ પટેલ શરુ કર્યું, છતાં પણ જયેશ પટેલની ગુન્હાહિત પ્રવૃત્તિ ના રોકાઈ તે ન જ રોકાઈ, પોલીસે જયેશ પટેલ અને તેની ગેંગને રફે દફે કરવા ઓર્ગેનાઈઝડ ક્રાઈમના સીન્ડીકેટને તોડવા માટે ગુજસીટોક સબંધિત કાર્યવાહી કરી છે આ  ઉપરાંત દરેડ ગામમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત ગુનામાં પણ તેની સંડોવણી ખુલવા પામી છે. આ જ વર્ષે તેની  પર આરોપીઓને હથિયારો સપ્લાય  કરવા સબબ અને બિલ્ડર જયસુખ ઉર્ફે ટીના પેઢડીયા પર ફાયરીંગ કરાવી હત્યા નીપજાવવાના પ્રયાસ સબંધીત છેલ્લો ગુનો નોંધાયો છે. આમ જામનગર, અમદાવાદ, રાજકોટ, સુરત અને ગાંધીનગર તેમજ મુંબઈ સુધીના પોલીસ દફતર સુધી પહોચી ચૂકેલ જયેશ પટેલ સામે બે દાયકામાં ૪૬ ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં બે હત્યા, ચાર હત્યા પ્રયાસ,, એક લુંટ, ચીટીંગના ચાર ગુનાઓ, મિલકત સબંધિત અને બોગસ દસ્તાવેજ સબંધિત ૧૯ ગુનાઓ, અપહરણની બે ફરિયાદ, ખંડણી સબંધિત ચાર ગુનાઓ અને અન્ય પરચુરણ પાંચ સહીત કુલ ૪૬ ગુનાઓ નોંધાયા છે. આ તો પોલીસ દફતરમાં નોંધાયેલ ક્રાઈમ કુંડળી છે પરંતુ જયેશ પટેલ સામે ગાંધીધામ  અને મુંબઈ ડીઆરઆઈમાં બ્રાસપાર્ટ તેમજ સિગારેટની દાણચોરી સબંધિત પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ હવાલા મારફતે ગેરકાયદે આર્થિક વ્યવહારો કરવા સબબ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here