જામનગર : જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતમાં સતા માટે થઇ ઉથલપાથલ..ક્યાંક ચિઠ્ઠીઓ પડી તો કયાંક દાવપેચ ખેલાયા

0
662

જામનગર : જામનગર જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતમાં સતા કબજે કરવા રાજકીય સોગઠા બાજી અને કાવાદાવા થયા હતા. કાલાવડ તાલુકા પંચાયતમાં તો કાપલી નાખી પ્રમુખની પસંદગી કરવામાં આવી હતી. જયારે જામજોધપુર તાલુકા પંચાયતમાં કોગ્રેસની પાતળી બહુમતી વચ્ચે પણ ભાજપના ટેકાથી બહુજન સમાજના સદસ્યએ પ્રમુખ તરીકે સતા સંભાળી છે.

જામજોધપુરમાં બસપાએ કોંગ્રેસનો દાવ લઇ લીધો

જામજોધપુર તાલુકા પંચાયતના પરિણામોની વાત કરીએ તો ૧૮ માંથી ૯ બેઠક કોંગ્રેસ,ભાજપને 7 અને બહુજન સમાજ પાર્ટીના બે સદસ્યો ચુટાયા હતા. જેને  લઈને રસાકસીભર્યો માહોલ સર્જાયો હતો. જેમાં ભાજપાએ બાજી મારી હતી. સત્તા માટે કોંગ્રેસને એક બેઠકની જરૂર હતી, પરંતુ કોંગ્રેસથી નારાજ વિજેતા ઉમેદવાર હસાબેન સાકરિયા બસપામાં ભળી જતા બસપાની સંખ્યા ત્રણની થઈ હતી અને ભાજપના સાત ઉમેદવારના ટેકાથી પ્રમુખ પદે હસાબેન અને ઉપપ્રમુખ પદે ભાજપના દેવાભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતાં.

કાલાવડ તાલુકા પંચાયતમાં આપ તટસ્થ રહેતા ચિઠ્ઠી નાખવી પડી

કાલાવડ તાલુકા પંચાયતમાં રસાકસી વચ્ચે કુલ ૧૮માંથી ભાજપને આઠ અને કોંગ્રેસને સાત બેઠકો અને બે આપને મળી હતી દરમિયાન ભાજપા સતાની નજીક હોવાથી સતા સંભાળશે એવું લાગતું હતું. બુધવારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં આપના આને સદસ્યોએ કોઈની તરફદારી ન કરતા અને અપક્ષ ઉમેદવાર ઘોઘુભાએ કોંગ્રેસને ટેકો આપતા ભાજપ-કોંગ્રેસ બન્નેના આઠ-આઠ ઉમેદવારો રહ્યા હતા. આવા સમીકરણો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. બંને વચ્ચે ટાઈ થતા ચિઠ્ઠી નાખી પ્રમુખની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભાજપાના ઉમેદવારનું નામ આવતા પ્રમુખ પદે મુકેશભાઈ પોપટભાઈ ડાંગરીયા અને ઉપપ્રમુખ તરીકે નટવરસિંહ ઈન્દ્રવિજયસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી હતી.

જોડિયામાં ભાજપની ધીંગી બહુમતી  છે કોગ્રેસના સદસ્ય બન્યા પ્રમુખ

જોડીયામાં પણ પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણીને લઈને વળાંક આવ્યો હતો. અહી કુલ ૧૬ બેઠકો માંથી ભાજપાએ ૧૩ બેઠક કબજે કરી બહુમતી મેળવી હતી. છતાં પણ કોંગ્રેસના સદસ્યને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અનુસૂચિત જાતી માટે અનામત આ બેઠક પર ભાજપના ઉમેદવાર હારી ગયા હતા અને આ વખતે પ્રમુખ તરીકે અનામત રોટેશન આવ્યું છે જેને લઈને ભાજપ પાસે એક પણ અનુ. જાતીનો સદસ્ય ન હોવાથી  કોંગ્રસના સદસ્ય નાથાલાલ સાવરિયા પ્રમુખ તરીકે બિન હરીફ ચુટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા. આમ સ્પષ્ટ બહુમત છતાં પણ ભાજપે પ્રમુખ પદથી હાથ ધોયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here